મોરબી ICDS દ્વારા જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો

ભૂલકાં મેળાના માધ્યમથી બાળકોને સર્વાંગિક વિકાસ કરવાના પ્રયાસ હેઠળ અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું

         પૂર્વ પ્રાથમિક શિક્ષણનાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ અને તેનું આકલન માટે વાલીઓને વાકેફ કરી બાળકના સર્વાંગી વિકાસમાં અને બાળ ઉછેરમાં વાલીઓની ભૂમિકા સમજાવવાના હેતુથી આઈ.સી.ડી.એસ.શાખા જિલ્લા પંચાયત-મોરબી દ્વારા પટેલ સમાજવાડી સ્ટેશન રોડ વાંકાનેર ખાતે ભુલકાં મેળો ઉજવવામાં આવ્યો હતો.

બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને આંગણવાડી અભ્યાસક્રમ આધારિત ૧૭ થીમ મુજબની શૈક્ષણિક પ્રવૃત્તિઓ જાતે બનાવી શકાય અને ઘરમાં ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવવા માટે શૈક્ષણિક સાધનો(TLM)ને પ્રદર્શન રૂપે બાળકો, વાલીઓ અને આંગણવાડી કાર્યકર નિહાળે અને થીમની પ્રવૃત્તિથી માહિતગાર થાય તે હેતુથી ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભૂલકા મેળા અંતર્ગત વાલીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અંગે માહિતી આપી ઘરમાં તેવું વાતાવરણ પૂરું પાડવા પ્રવૃત્તિ દ્વારા શીખવવામાં આવ્યું હતુ. આંગણવાડી કાર્યકર અભ્યાસક્રમ આધારિત ૧૭ થીમ ના શીખવા શીખવવાના સાધનો (TLM) અંગે માહિતીગાર કરવામાં આવ્યા હતા અને તે મુજબ કેન્દ્ર પર વિવિધ પ્રવૃત્તિ કરવા શીખવવામાં આવી હતી. બાળકોને મુક્ત આનંદ દ્વારા સર્વાંગી વિકાસ થાય તે અંગે વાલીઓ અને કાર્યકરને પ્રવૃત્તિ દ્વારા સમજાવવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લા કક્ષાના ભૂલકા મેળાના આયોજનમાં તમામ પ્રિ-સ્કુલ ઈન્સ્ટકટર દ્વારા બનાવેલ TLM અને મુખ્ય સેવિકા બહેનો દ્વારા આંગણવાડી કાર્યકરને યોગ્ય માર્ગદર્શન આપી કાર્યકર દ્વારા તૈયાર કટેલ TLM જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં નિદર્શનમાં મુકવામાં આવ્યા હતા. વાંકાનેર ઘટક-૨ સીડીપીઓશ્રી મયુરીબેન ઉપાધ્યાય દ્વારા જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં રમત, પપેટ શો, સર્જનાત્મક પ્રવુતિ, બાળગીતો, જોડકણા, અભિનય ગીતની પ્રવૃત્તિ દ્વારા આંનદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન આઇ.સી.ડી.એસ. મોરબીના પોગ્રામ ઓફિસરશ્રી કોમલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, સરોજબેન ડાંગરોચા, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન ઝાલા અને જિલ્લા પંચાયતના સદસ્ય ઝાહીર અબ્બાસ શેરશીયા તથા બહોળી સંખ્યામાં બાળકો અને વાલીઓ તથા આંગણવાડીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.