સિરામીકના હાર્દ સમા મોરબી જેતપર અણીયારી રોડની કામગીરીનો શુભારંભ

રોડના નિર્માણ થકી સિરામિક તેમજ સામાન્ય પરીવનહન સુગમ બનશે

        મોરબી સિરામીકના હબ સમા મોરબીથી જેતપર અણીયારી રોડ ફોર લાઈન બનાવવાની મોરબી વાસીઓની ઘણા સમયથી માંગ હતી. મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના રાજકીય આગેવાનોના પ્રયત્નો અને માર્ગ અને મકાન વિભાગ સહિત વહીવટી તંત્રની સતત કાર્યશીલતા ના પગલે આ માંગને મંજૂરીની મહોર લાગી ગઈ છે. મોરબી વાસીઓ માટે ખુશીના સમાચાર છે કે, આ રોડને ફોર લાઈન બનાવવાની કામગીરીનો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે.

        આ રોડનું નિર્માણ થતાં આ રસ્તા પર થતું પરિવહન સુગમ બનશે. આ રસ્તા પર મુખ્યત્વે સિરામીક ઉદ્યોગને લગતું વાહનવ્યવહાર વધુ થાય છે ત્યારે સિરામીકની સુવિધામાં પણ વધારો થશે.

વધુ માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે, કુલ ૨૪.૩ કિમીના આ રસ્તાના ફોર લેન કામગીરી માટે  તા.૨૮-૦૯-૨૦૨૨ રૂ.૧૪૧૦૮.૮૮ લાખનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, કી.મી. ૩/૨ થી ૨૭/૫૦ વચ્ચે કૂલ ૨૪.૩ કીમી. પૈકી ૪.૩૮૫ કી.મી. ને હયાત ૧૦.૦ મી. પહોળા રસ્તા માંથી ચાર માર્ગિય ડામર સપાટી તથા ૧૪.૪૪૦ કીમી ને ચાર માર્ગિય સિમેન્ટ કોંક્રીટ સપાટી કરવાની કામગીરી કરવાની થાય છે. ૦.૯૦ કીમીમાં હયાત સી.સી. રોડ પર ઓવરલે કરવાની અને ૪.૬૨૫ કીમી રસ્તાને હયાત ૧૦ મી. ડામર સપાટી વાળા રસ્તાના સ્થાને ૧૦ મી. પહોળ સિમેન્ટ કોંક્રીટ સપાટી વાળો રસ્તો બનાવવાની કામગીરી કરવામાં આવશે.

આ રસ્તામાં કુલ ૧૭ નાળાનું નિર્માણ કરવામાં આવશે જે પૈકી ૮ નવા નાળા અને ૯ હયાત નાળાને પહોળા કરવાની કામગીરી કરવામાં આવનાર છે. કૂલ ૨૦૮૦ મી. પ્રોટેક્શનવોલની કામગીરી પણ કરવામાં આવશે. આ રોડની કામગીરી એમ.એસ.ખુરાના એજન્સીને સોંપવામાં આવી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આમ, સર્વોત્તમ સુવિધા સાથે રસ્તાનું નિર્માણ થતાં મોરબીના પરિવહન સુવિધામાં વધારો થશે.