મોરબી : ૨૭.૬૫ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર તથા ૯.૫૯ કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કરાયું

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અઘ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

વિકાસ કાર્યોમાં નાગરિકો પણ આત્મીયતા દાખવે  તો કામ સર્વોત્તમ થાય તેમાં શંકા ને સ્થાન નથી. સાંસદ મોહનભાઈ કુંડારીયા

સૌના સાથ સહકારના સમન્વયથી મોરબી વધુ વિકસિત બને અને ગુજરાતમાં એક અલગ ભાત ઉપસાવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા 

સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી નગરપાલિકાની ૨૭.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભુગર્ભ ગટર યોજના તથા ૯.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, આ ગટર યોજના તથા પાણી પુરવઠા યોજના થકી ૧૧૫ થી વધુ વાડી વિસ્તારની સોસાયટીઓને મળશે. આ વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય તે માટે રાજકીય આગેવાનો તથા અધિકારીઓની મહત્વની ભૂમિકા છે. ઉપરાંત આ વિકાસ કામોમાં નાગરિકો પણ આત્મીયતા દાખવે તો કામ સર્વોત્તમ થાય તેમાં શંકા ને સ્થાન નથી. વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર સૂચિત સોસાયટી બને અને તેને વહેલી તકે સનદ મળે તે માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્ન કરી રહ્યા છે. ઉપરાંત ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધા બાદ આ વિસ્તારમાં ત્વરિત રસ્તા બને તે માટે પણ તેમણે નગરપાલિકાને સૂચના આપી હતી.

આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના પ્રમુખ સહિત સમગ્ર ટીમ આ વિસ્તારને સુવિધાસભર બનાવવામાં અગ્રેસર રહી છે. સરકારની વિવિધ યોજનાઓ તથા રાજકીય આગેવાનો અને અધિકારીઓની સખત મહેનત અને કાર્યશીલતાથી અનેક વિકાસ કામો નિર્માણ પામી રહ્યા છે. આ વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના લાવવાનું ભગીરથ કાર્ય પણ અમારા સૌના પ્રયાસોથી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આપણા સૌના સાથ સહકારની સમન્વયથી મોરબી વધુ વિકસિત અને અને ગુજરાતમાં એક અલગ ભાત ઉપસાવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે મોરબી નગરપાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે કર્યું હતું. આભારવિધિ સભ્ય ચુનીભાઈએ કરી હતી.

આ પ્રસંગે સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, અગ્રણી લાખાભાઈ જારીયા, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ સહિત વિવિધ સમિતિના ચેરમનઓ, અગ્રણી સર્વ કે.કે.પરમાર, ભાવેશભાઈ કણઝારિયા, નગરપાલિકાના સભ્યઓ તેમજ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.