વિશેષ કાળજી રાખી મચ્છરના ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરીને ડેન્ગ્યુને ફેલાતો અટકાવી શકાય છે

તાવ જણાય તો તાત્કાલિક લોહીની તપાસ કરાવી સંપૂર્ણ સારવાર લેવી

ડેન્ગ્યુએ વાઇરસથી થતો અને મચ્છરથી ફેલાતો રોગ છે. ડેન્ગ્યુના મચ્છર (એડિસ) ચોખ્ખા પાણીમાં ઘરની અંદર રહેલા નાના નાના પાત્રોમાં ઇંડાં મૂકે છે. જે ૭ થી ૧૦ દિવસમાં મચ્છર બને છે. જેના કરડવાથી ડેન્ગ્યુ થાય છે. તેથી ઘરમાં કે કાર્ય સ્થળે દુકાન/કારખાના/ઓફિસમાં તેમજ આસપાસમાં ચોખ્ખું પાણી ભરાતું હોય તો તે અટકાવવું જોઇએ.

એડિસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઇંડા મુક્યા બાદ તેના પોરા પાણીમાં ખૂણો બનાવીને જાણે ઊંધે માથે લટકતી સ્થિતિમાં તરે છે. તેને નરી આખે જોઇ શકાય છે. આ મચ્છર “ટાઇગર મચ્છર” તરીકે જાણીતો છે. રંગ કાળો અને શરીરના પૃષ્ઠ ભાગ પર સફેદ અને કાળા રંગના ચટપટા ધરાવે છે. અને એ મચ્છર જો ચેપી હોય તો ડેન્ગ્યુનો પ્રસાર વધારે છે. તેની ઉડયન ક્ષમતા ઓછી, ૧૦૦ મીટર જેટલી જ હોવાથી આ મચ્છર ઘર કે કાર્ય સ્થળે પાણીના સંગ્રહસ્થાનોમાં ઈંડા મુકતા જોવા મળે છે. મચ્છર કરડયા બાદ વાઇરસ દાખલ થયા પછી સાતથી દસ દિવસમાં ડેન્ગ્યુના લક્ષણો દેખાય છે.

સિમેન્ટની ટાંકી, સીડી નીચેની ટાંકી, સિન્ટેક્સ ટાંકી, બેરલ, પીપ, ટાયર, ડબ્બા વગેરે ભંગાર, પક્ષીકુંજ, છોડના કુંડા તેની નીચે રાખેલી પ્લેટ, ફ્રીઝની પાછળની ટ્રે, માટલા, સુશોભન માટેના ફુવારા, અગાસી, છજ્જામાં જમા થતું વરસાદી પાણી, વરસાદ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડીસ મચ્છર ઈંડા મુકે છે. જેથી આવી જગ્યાઓએ મચ્છર ઉત્પન્ન થવાની સંભાવના વધુ છે.

ડેન્ગ્યુથી કે અન્ય મચ્છર જન્ય બિમારીથી બચવા માટે હંમેશા મચ્છરદાનીમાં જ સુવાનો આગ્રહ રાખવો જોઇએ. મચ્છર પ્રતિકારક ધૂપ-અગરબત્તી, સ્પ્રે, ઇલેક્ટ્ર્રિક  રેકેટ કે અન્ય મચ્છર પ્રતિરોધક વેપોરાઇઝના ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. ઉપરાંત ઘર કે ઓફિસના બારી-બારણા પર ઉપર જાળી અવશ્ય લગાવવી જોઇએ.

        મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા કેટલાક પગલા લઇ શકાય જેમ કે, પીવા અને અન્ય વપરાશ માટે રાખેલા પાણીના પાત્રોને હવાયુક્ત ઢાંકેલા રાખવા જોઇએ. પાણી સંગ્રહ કરવાના તમામ પાત્રો હવાચુસ્ત બંધ રાખવા જોઇએ, નળની કુંડીમાં પાણી ગયા બાદ સાવ કોરી કરી સાફ કરવી જોઇએ. ફ્રીઝની પાછળની ટ્રે ,વોટર કુલર, એર કુલર દર ત્રીજા દી’એ સાફ કરવા જોઇએ. ઉપરાંત વરસાદ બંધ થયા બાદ છોડના કુંડા/ તેની નીચે રાખેલી પ્લેટમાં રહેતું પાણી ખાલી કરવું, બિનજરૂરી પક્ષીકુંજ ભરવા નહીં, અગાસી, છજ્જામાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવી જેના લીધે ડેન્ગ્યુનો ફેલાવો અટકાવી શકાય.

કોઇપણ વ્યક્તિને તાવ આઅવે તો તાત્કાલિક લોહીની તપાસ અવશ્ય કરાવી સંપોર્ણ સારવાર લેવી ખૂબ જરૂરી છે. હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી માટે આરોગ્ય કર્મચારી આપના ઘરે આવે ત્યારે તેમને પુરતો સાથ-સહકાર આપવો જોઇએ.

        જો આપના રહેણાંક કે ધંધાકીય વિસ્તારમાં વરસાદી/અન્યરીતે પાણી ભરાઈ રહેતું હોય તેવા પાત્રોને અઠવાડિયામાં એક વખત ખાલી કરી, સૂકા કરવા, શકય હોય તો તેવા પાત્રોનો નાશ/નિકાલ કરશો જેથી ડેન્ગ્યુ સામેની આ લડતમાં આપણી જીત થાય.