ટંકારા અને માળિયામાં હવે ડાયાલિસિસ સેન્ટરની અદ્યતન સુવિધા ઉપલબ્ધ બનશે
કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી મોરબી જિલ્લાના માળિયા તથા ટંકારા એમ બે તાલુકા મથકોએ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ટંકારા ખાતે સરકારી સિવિલ હોસ્પિટલ તેમજ માળિયા ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબી તથા વાંકાનેર ખાતે અગાઉથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે ત્યારે હવે જિલ્લાના અન્ય બે તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સારવાર મેળવવી સહજ બનશે.
આ બન્ને તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત થવાથી તેમને ઘર આંગણે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને સારવાર અર્થે મોરબી કે રાજકોટ સુધી લાંબા નહીં થવુ પડે. ઉપરાંત ખાનગી દવાખાનામાં સારવાર અર્થે તેમના પર પડતા નાણાકીય ભારમાંથી પણ કિડનીના દર્દીઓને હવે વધુ રાહત મળશે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દર ૩૦ થી ૪૦ કિલોમીટરના અંતરે ડાયાલિસિસની અધ્યતન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દરેક જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યા છે જ્યાં કિડનીના દર્દીઓને તમામ સુવિધા વિનામૂલ્યે મળી રહે છે.