મોરબી : ગરીબ કલ્યાણ મેળામાં ૨ હજારથી વધુ લાભાર્થીઓને ૨૫ કરોડથી વધુના વિવિધ લાભ અપાશે

મોરબી ખાતે કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અઘ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણ મેળો યોજાશે, રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા ગરીબ કલ્યાણ મેળામાં પ્રેરક ઉપસ્થિતિ રહેશે

ગરીબ કલ્યાણ મેળા અન્વયે જિલ્લામાં અંદાજિત ૭૦૦ કરોડના  વિવિધ યોજનાના લાભ હેઠળ ૪૦ હજાર જેટલા લાભાર્થીઓને સાંકળી લેવાયા

મોરબી ખાતે ૧૫ ઓક્ટોબરે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ કેબિનેટમંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તથા ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. જે અન્વયે  અંદાજિત ૭૦૦ કરોડના લાભ વિવિધ વિવિધ યોજનાઓના લાભ હેઠળ ૪૦ હજાર જેટલા લાભાર્થીઓને સાંકળી લેવામાં આવ્યા છે. જે થકી ૨ હજારથી વધુ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળાના દિવસે ૨૫ કરોડથી વધુના લાભ વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવનાર છે.

રાજ્ય સરકાર દ્વારા ગરીબોના કલ્યાણ હેતુ અનેક યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે અને તેને સંલગ્ન વિવિધ આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે હાલ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો ૧૫ ઓક્ટોબરે યોજાનાર છે.

ગરીબ કલ્યાણ મેળા અન્વયે પુરવઠા વિભાગ, કૃષિ વિભાગ, પંચાયત, સમાજ કલ્યાણ વિભાગ, ઉદ્યોગ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ વગેરે વિભાગો હેઠળ અનેક કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ ગરીબોને આપવામાં આવશે. ઉપરાંત અનેક યોજનાઓ અન્વયે સહાય કિટનું વિતરણ પણ આ તકે કરવામાં આવશે.