ફરજને જ સર્વસ્વ સમજીને પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલીને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મવિરોનું સન્માન કરીને તેને મીઠાઈ આપીને સન્માન કર્યું
મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે દિવાળીની અનોખી ઉજવણીના ભાગરૂપે અનોખો કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા તહેવારો ઉપર પોતાની ફરજને જ સર્વસ્વ સમજીને પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલીને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મવિરોનું સન્માન કરીને તેને મીઠાઈ આપવામાં આવી હતી. દિવાળીના પર્વે પણ પોતાની ફરજ બજાવતા આ કર્મવિરોની કર્મનિષ્ઠાની કદર થતા તેઓના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.




યંગ ઇન્ડિયા ગ્રુપ હંમેશા તહેવારોની કઈક અલગ રીતે ઉજવણી કરવા માટે જાણીતું છે. ત્યારે આ ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની પણ અનોખી ઉજવણીના ભાગરૂપે કર્મવીર કૃતજ્ઞતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દિવાળીએ પોતાના પરિવારને તેમજ પોતાની જાતને ભૂલી જઈને સમાજ માટે ફરજ બજાવતા પોલીસ, એસટી, નગરપાલિકા, પેટ્રોલપમ્પ, રેલવે , ફાયરબ્રિગેડ, ટ્રાફીક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય સરકારી કે જાહેર સંસ્થાઓમાં સેવા આપતા કર્મવીરોનું સન્માન કરી તેઓને મીઠાઈ આપીને દિવાળીની શુભકામના પાઠવી તેમની સેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
