ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર વીર જવાનો સાથે લગાતાર પાંચમા વર્ષે પી.જી પટેલ કોલેજ દ્વારા દિવાળીના મહાપર્વની ઉજવણી.

મોરબી જિલ્લામાં કોમર્સ અને મેનેજમેન્ટ ક્ષેત્રે અગ્રણી અને અગ્રેસર એવી પી.જી પટેલ કોલેજ દ્વારા છેલ્લા 5 વર્ષથી દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પર તેનાત સૈનિકોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરીને અનોખી રીતે કરવામાં આવે છે.

પી.જી પટેલ કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈની પ્રેરણાથી આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની રાહબરી હેઠળ આ વર્ષે પણ દિવાળીના મહાપર્વની ‘અસ્મિતા પર્વ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દિવાળીના દિવસે પણ પોતાના પરિવારથી દૂર રહીને આપણા વીર જવાનો દેશના સીમાડાની રક્ષા કાજે દિવસ-રાત તૈનાત હોય છે. તેમને પારિવારિક હૂંફ અને લાગણીનો અનુભવ થાય, તેમજ તેમના પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે શુદ્ધ ઘીના અડદીયા અને નમકીન દિવાળીના દિવસે જ કચ્છ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદે ફરજ બજાવતા આપણા વીર જવાનોને હાથો-હાથ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ ભગીરથ કાર્યમાં દર વર્ષની જેમ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સિંહ ફાળો રહ્યો હતો , સાથે સાથે કોલેજ સ્ટાફ, મોરબીના ઉદ્યોગપતિ, મિત્ર વર્તુળ તેમજ અન્ય કોઈ પણ માધ્યમથી મદદ કરનાર તમામ લોકોનો સંશ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.