મોરબી : રાત્રી રોકાણ બાદ મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

મોરબીમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને પુલ દુર્ઘટના અંગે રિવ્યૂ બેઠક યોજાઈ

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તત્કાળ પહોંચી અસરગ્રસ્તોની વ્હારે પહોંચી ગયા હતા અને ઘાયલોના ખબર અંતર પૂછ્યા બાદ મોરબીમાં રાત્રિ રોકાણ કરીને રેસ્ક્યુ ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન માર્ગદર્શન આપ્યું હતું. આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર સ્થિતને ધ્યાને લઇને જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ સહિત અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે, મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસદ વિનોદભાઈ ચાવડા, પુલ દુર્ઘટના અંગે રચાયેલી હાઇપાવર કમિટીના વડા રાજકુમાર બેનિવાલ, ઉદ્યોગ કમિશનર ડૉ. રાહુલ ગુપ્તા, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી પગાર ભગદેવ, મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય પોલીસવડા જયપાલસિંહ રાઠોર, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દુધાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાંથી પ્રત્યેક મૃતકના પરિવારજનને ૪ લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી.