તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ ઝુલતા પુલના ઇજાગ્રસ્તોની સારવાર માટે ખડેપગે હાજર

મચ્છુ નદીનો ઝુલતો પુલ તુટવાની ઘટનાના ઇજાગ્રસ્તો મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇને થયા સ્વસ્થ

મચ્છુ નદીનો ઝુલતો પુલ તુટવાની ઘટનાના ઇજાગ્રસ્તોને મોરબીની સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાનાં મોટાભાગના દર્દીઓને સારી રીકવરી છે. સરકારી હોસ્પિટલના  તબીબો, નર્સો, પેરા મેડિકલ સ્ટાફ  ઇજાગ્રસ્તોની સારવાર માટે ખડેપગે સારવાર કરી રહયા હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદિપ દુધરેજિયાએ જણાવ્યુ હતું.

મોરબીની જીએમઇઆરએસ સરકારી હોસ્પિટલમાં આ દુર્ઘટનાના પાંચ ઇજાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહયા છે. સારવાર લઇ રહેલા ૩૬ વર્ષીય અશ્વિનભાઇ ડોડિયા કહે છે કે, “હુ પુલ ઉપર હતો ત્યારે ત્રણ વાર અવાજ આવ્યા પછી પુલ તુટયો. હું વચ્ચે હતો. એટલે અનેક લોકો મારા ઉપરથી પડયા. મને હાથમાં ઇજા થઇ છે તેમજ મૂઢ માર લાગ્યો છે. પુલનું એન્ગલ મને હાથમાં વાગ્યું છે. આ જ એન્ગલ પકડીને હું પુલ ઉપર ચડીને બચી ગયો છું. સરકારી હોસ્પિટલમાં મારા હાથનો ફોટો પાડવામાં આવ્યો છે. મને ત્રણથી ચાર વાર દવા, ઇંજેકશન અપાયા છે. ડોકટરો, નર્સ પણ મારી ખબર-અંતર પૂછી જાય છે. આમ સરકારી સારવારથી મને સંતોષ છે.

પુલ તુટવાથી ઇજાગ્રસ્ત થયેલા ૨૭ વર્ષના સિદિક મહમદભાઇ મોવલ કહે છે કે, મને તરતા નહોતું આવડતુ. પણ મેં પગ હલાવ્યા તો હું પાણી ઉપર આવી ગયો. પછી પુલ પકડીને બહાર નીકળી ગયો. પગમાંને હાથમાં કાંટા વાગ્યા છે. પેટમાં પાણી ભરાઇ જતાં ત્રણ કલાક બેહોશ થઇ ગયો હતો. પરંતુ સિવિલમાં સરસ તબીબી સારવાર મળતા હું હોશમાં આવ્યો છુ અને મારી તબિયતમાં સુધારો થયો છે.