મોરબી ખાતે બી.એ.પી.એસ ના સંતો અને સ્વયંસેવકોને સેવા કાર્ય કરવા બદલ નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા

રવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે.

 

આ દુર્ઘટના વખતે ત્યાં હાજર રહેલા અનેક લોકોએ માનવતા દાખવી સમયસૂચકતાથી સેંકડો વ્યક્તિઓના જીવ બચાવવા માટે ખૂબ પ્રયાસો કર્યા હતા. જેમાં બી.એ.પી.એસના સ્વયંસેવકોએ અનેક લોકોને બચાવી લઈને યોગ્ય સારવાર આપી હતી અને સંતો તથા સ્વયંસેવકોએ તમામ પીડિતો અને રાહતકાર્યમાં જોડાયેલ સૌ માટે ભોજનની પણ ત્વરિત વ્યવસ્થા કરી હતી.

 

આજે ભારતના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘટના સ્થળે આવીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બી.એ.પી.એસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસના સંતો અને સ્વયંસેવકોએ કરેલ બચાવ કામગીરી અને ભોજન વ્યવસ્થારૂપી સેવાકાર્યને પ્રધાનમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.