આવી ઘટનામાં આપણી જાનના જોખમે જો ૧૦ લોકોની જિંદગી બચતી હોય તો ગર્વથી પોતાની જિંદગી અર્પણ કરી દેવી જોઈએ
મોરબીની મચ્છુ નદીનો ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના સર્જાતા ત્યાં તાલીમાર્થીઓને તાલીમ આપતા રીટાયર્ડ આર્મી જવાન જીજ્ઞેશભાઈ ખાંભાડીયા તથા તેમની પાસે તાલીમ મેળવી રહેલા તાલીમાર્થીઓએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા.
ઘટના સ્થળની નજીક રોજગાર કચેરી દ્વારા આર્મીના તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે તે તાલીમ વર્ગમાં તાલીમ મેળવતા તાલીમાર્થીઓ તેમજ કોર્ડીનેટર જીજ્ઞેશભાઇ ની ટીમ રનીંગ કરીને ત્યાંથી પસાર થતી હતી. તે સમયે તેમણે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી આ ટીમ દ્વારા ચાલુ કરી ઘણા લોકોની જિંદગી પોતાના જીવના જોખમે બચાવીને દેશ સેવાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેઓની ઉત્તમ કામગીરી બદલ માન. વડાપ્રધાનશ્રી મોરબી મુલાકાત સમયે કોડીનેટરશ્રી જીજ્ઞેશભાઇને મળ્યા હતા અને ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવી તેમની ટીમ દ્વારા કરેલ કામગીરીને વડાપ્રધાનશ્રી દ્વારા બિરદાવવામાં આવી હતી.
આર્મીમાંથી રિટાયર્ડ પણ દેશભકિતની ભાવના આજે પણ લહુમાં લઈને જીવી રહેલા જીજ્ઞેશભાઈ જણાવે છે કે, અમે આર્મીમાં એક નિયમ શિખ્યા છીએ કે, આપણી જાનના જોખમે જો ૧૦ લોકોની જિંદગી બચતી હોય તો ગર્વથી પોતાની જિંદગી અર્પણ કરી દેવી જોઈએ. બસ એજ નિયમ પ્રમાણે હું અને મારી પાસે તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ પોતાની જિંદગી દાવ પર લગાવી બચાવ કામગીરીમાં લાગી ગયા. જે તરી શકતા હતા તેઓ તો તરત જ નદીમાં કૂદી ગયા અને મહિલાઓ તથા બાળકોની જાન બચાવવા લાગ્યા. બાકીના દોરડાની મદદથી ડૂબતા લોકોને બચાવવાની કામગીરીમાં લાગી ગયા. રેસ્ક્યુની કામગીરી ખૂબ જ કઠિન હતી.