ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટર કરાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ 

        ચૂંટણી પ્રચારના અભિયાનરૂપે રાજકીય પક્ષોના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવાર તરફથી મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. તેમાં મોટા પ્રમાણમાં વાહનોનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટની સંમતિથી બીજા કોઈ વ્યક્તિ, કાર્યકર, ટેકેદાર દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવા સંજોગોમાં આવા વાહનોના ઉપયોગ પર દેખરેખ રાખવા અને ઉમેદવારના ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે અનુસંધાને મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

        આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર કોઈપણ રાજકીય પક્ષ, વ્યક્તિ, સંસ્થા, ચૂંટણી ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઈપણ વ્યક્તિ દ્વારા કોઈપણ ઉમેદવારને કે પક્ષના કામે ચૂંટણીના કામે વાહનોનો સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસે રજીસ્ટર કરાવવાના રહેશે. રજીસ્ટર કરાવેલ વાહનની પરમીટ મેળવી વાહનોની વિન્ડ સ્ક્રીન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઈથી દેખાઈ આવે તે રીતે ચોંટાડવાની રહેશે. વપરાશમાં લેવાયેલ વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે. ચૂંટણી અધિકારી પાસે પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઈપણ વાહનોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી.