જાફરાબાદના વતની અને પોરબંદરના પીએસઆઈ જે.જે.જોગદીયાનું નિધન

(અહેવાલ: જયેશ બોખાણી-મોરબી): જાફરાબાદનાં વતની અને પોરબંદરનાં પીએસઆઈ જે.જે. જોગદીયા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર રીર્ટન આવી રહ્યા હતા. તે વેળાએ આજે વહેલી સવારે કુતિયાણા નજીક પશુને બચાવવા જતાં પોલીસ ખાતાનો બોલેરો ડીવાઈડર સાથે અથડાયો હતો. જેમાં જે.જે.જોગદિયાને ગંભીર ઈજાઓ પહોંચતા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યા દુખદ અવસાન થયું છે. જ્યારે બોલેરો ચલાવનાર તેમના મિત્ર કિશનભાઈ મકવાણા ICUમાં સારવાર હેઠળ છે.

જે.જે.જોગદીયા સાહેબના દુખદ નિદનથી અનુ.જાતિ સમાજમાં દુખની લાગણી પ્રશરી છે. મુળ જાફરાબાદ તાલુકાના છેલણા ગામના ગરીબ પરિવારમાં જન્મેલા જે.જે.જોગદીયાનું પુરૂ નામ જેસીંગ જેઠાભાઈ જોગદિયા હતું. તેમણે B.A કોલેજ સુધીનો અભ્યાસ કરેલો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે માતા-પિતાની મહેનત જોઈ જોગદિયા સાહેબને નાનપણમાં જ ફોજમાં ભરતી થય દેશની સેવા કરવી હતી. જેથી ખૂબ જ મહેનત અને ધગશથી તા.૨૧ એપ્રિલ ૨૦૦૮માં પોલીસમાં જોઈન થયા. પ્રથમ પોલીસ કોન્સ્ટેબલ ત્યાર બાદ ખાતાકીય પરીક્ષા આપી પીએસઆઈ સુધી પ્રમોશન મેળવેલ હતું.

હાલ તેઓ પોરબંદર એસપી ઓફિસમાં પીએસઆઈ (ટેકનિકલ) ખાતામાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓએ જિંદગીમાં ખૂબ જ સંઘર્ષ કરીને સફળતાઓ મેળવી, યોગા, કરાટે અને ફિઝિકલના તેઓ વિષેષ જાણકાર તરીકે ઓળખ ઉભી કરી હતી. પીડિત, શોષિત, વંચિત સમુદાયનિ વિદ્યાથીઓ માટે મિશન પે બેક ટુ સોસાયટીના માધ્યમથી પોલીસ ફોરેસ્ટ ઇન્ડિયન આર્મી સ્પર્ધાત્મક પરીક્ષા ક્લાસીસ કારકીર્દી માર્ગદર્શન સેમિનાર વ્યસનુમક્તિ અંગેના સેમિનાર વગેરેનું આયોજન કરીને દસ હજારથી વધુ વિદ્યાર્થીઓને તેમણે તાલીમો વિનામૂલ્યે આપી હતી. તેમાંથી હાલ ઘણા વિદ્યાર્થીઓ સરકારી જોબ કરી રહ્યા છે.

જેસીંગ જોગદિયા લોકોમાં સંવિધાન પ્રત્યે જાગૃકતા આવે લોકો કાયદાનો આદર કરે સમાજમાંથી જાતીય ભેદભાવ દુર થાય, જાતિ વિહીન સમાજની રચના થાય, લોકો તથાગત ગૌતમ બુદ્ધ, શહિદ ભગતસિંહ, ડો.બાબાસાહેબ આંબેડકરના વિચારો પર ચાલીને અંખડ ભારતનું નિર્માણ કરે તેમના મિશન જયભીમ એન્ડ સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા હતા.

અનુ.જાતિના લોકોમાં શિક્ષણનું પ્રમાણ, સરકારી નોકરીનું પ્રમાણ વધે, રોજગારીનું પ્રમાણ વધે અને સમાજ માટે વિશાળ ભવનનું નિર્માણ થાય તે માટે તેમણે જાફરાબાદ, રાજુલા, ખાંભા, ઉનાના આજુબાજુના વિસ્તારમાં મિંટિગો યોજી તેઓએ એજ્યુકેશન હબ ઉભુ કરવા માટેનો સંકલ્પ લીધેલો હતો. તેમની આ સમાજ ભાવનાથી લોકો તેમનો ખૂભ જ આદર કરતા હતા. ત્યારે આજે જે.જે.જોગદીયા સાહેબના દુખદ નિધનથી સમગ્ર ગુજરાતના અનુ.જાતિ સમાજમાં શોકનો માહોલ છે. પોલીસ ખાતામાં રહીને સામાજીક ઉત્તરદાયિત્વનું કાર્ય કરનાર આવા ક્રાંતિકારી વિરલાની ખોટ નહીં પુરાઈ તેમ અનુ.જાતિ સમાજના લોકો કહી રહ્યા છે.