પ્રેસ વેલ્ફેર ક્લબ દ્વારા મોરબી જિલ્લાના મીડિયા મિત્રો માટે માર્ગદર્શક સેમીનાર યોજાયો

મોરબી જીલ્લામાં ટીવી ચેનલ, ન્યુઝ પેપર, વેબ પોર્ટલ અને ડીજીટલ મીડિયા સાથે જોડાયેલા પત્રકારો માટે મોરબી જીલ્લા પ્રેસ વેલ્ફેર ક્લબની રચના કર્યા બાદ શનિવારે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે “આજના સમયમાં પત્રકારત્વનું મહત્વ, જવાબદારી અને પડકારો” વિષય પર ખાસ સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદથી નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ જર્નાલીઝમના ડાયરેક્ટર શિરીષ કાશીકરે પત્રકારોને ખાસ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

મોરબીના સિરામિક એસોસિએશન હોલ ખાતે આયોજિત સેમીનારમાં ઉપસ્થિત મહેમાનોમાં સિરામિક એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલે પત્રકારો સમક્ષ ફેક ન્યુઝ, ગળાકાપ હરીફાઈ સહિતના મુદ્દા રજૂ કર્યા હતા જ્યારે જિલ્લા પોલીસ તંત્ર વતી ડીવાયએસપી પી.એ.ઝાલાએ બી પોઝીટીવ મંત્ર આપીને માહિતી કેવી રીતે પહોંચાડવી જેથી લોકો પોઝીટીવ રીતે તે માહિતી મેળવી સકે તે અંગે માહિતી આપી હતી. તેમજ માહિતી મળતા તુરંત તે આગળ પહોંચાડવાને બદલે વેરીફાઈ કરવા પર ભાર મુક્યો હતો તેઓએ પોક્સો એક્ટ, સ્ત્રીઓ સાથે થતા છેડતી અને દુષ્કર્મ જેવા ગુનાઓના રીપોર્ટીંગ સમયે કેવી તકેદારી રાખવી, કાયદો શું કહે છે તેની માહિતી પૂરી પાડી હતી સાથે જ આઈટી એક્ટમાં કેવા પ્રકારની માહિતી શેર કરવાથી ગુનો બને છે તેનું પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે મોરબીના પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ મોરબીના હકારાત્મક પત્રકારત્વના વખાણ કર્યા હતા અને મોરબીના પત્રકારો તંત્રને યોગ્ય સહયોગ આપતા હોવાનું જણાવ્યું હતું. તો સાથે પ્રશ્નાર્થ મુકીને સમાચાર મુકવા સમયે કોઈને નુકશાન તો નથી થતું ને ? તેની તકેદારી રાખવા જણાવ્યું હતું અને ખરાઈ કરીને બાદમાં જ લોકો સુધી સમાચાર પહોંચાડવા જોઈએ તેના ભાર આપી સમાચારોમાં ગુનેગારના જ્ઞાતિ અને ધર્મનો ઉલ્લેખ પણ ટાળવો જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો.