હળવદ:ચુપણી ગામ નજીક વીજ વાયર તૂટી પડતા 20 પશુઓના મોત

વીજ કંપનીની બેદરકારીનો ભોગ બનેલા માલધારીઓને સહાય આપવા માંગ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદના ચુપણી ગામ નજીક વીજ કંપનીનો ચાલુ વાયર તુટી પડ્યો હતો. જેમાં વાયર નીચેથી પસાર થઈ રહેલી 15 ભેંસ અને 5 ગાયના મોત નીપજ્યા છે. એકસાથે 20 જેટલા પશુઓના મોત થતા માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વીજ કંપનીની બેદરકારીનો ભોગ બનેલા માલધારીઓને સહાય આપવા માંગ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ હળવદના ચુપણી ગામના વશરામભાઇ ભવાનભાઈ ભરવાડ અને મુન્નાભાઈ કલાભાઇ ભરવાડ પોતાની ગાયો અને ભેંસોને ચરાવવા માટે જતાં હતા. તે દરમિયાન નાડધ્રી ફીડરનો 11 કેવીની લાઇનનો ચાલુ વાયર તુટીને નીચે પડ્યો હતો. જે વાયરને ગાય અને ભેંસો અડી જતા કરંટ લાગતા એકસાથે 15 ભેંસ અને 5 ગાયોના મોત થયા હતા. જેના કારણે ચુપણીના માલધારીઓના જણાવ્યા અનુસાર આશરે 25 લાખથી વધુનું પશુપાલકોને નુકસાન થયું છે. મહત્વનું છે કે, અવાર નવાર આ વિસ્તારમાં વીજ વાયરમાં સ્પાર્ક થતા તણખલા પડવાથી નુકસાનના સમાચાર સામે આવ્યા છે.

જોકે પીજીવીસીએલ કચેરીમાં રિપેરીંગ કરવા માટે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા રીપેરિંગ કરવામાં આવતું નથી. 30 વર્ષ જુના આ તારમાં એક ગાળામાં જ બબ્બે સાંધા મારેલા છે જેના કારણે અકસ્માત સર્જાવાનો ભય પણ રહે છે. ત્યારે આજે વીજ વાયર તુટી પડવાની ઘટના બનતા સરા ડિવિઝન ડેપ્યુટી ઇજનેર ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. અને પશુપાલકોને સહાય મળે તે દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.