મોરબી જિલ્લાના નવનિયુકત ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો

સિરામિક ઉદ્યોગના હબ એવા મોરબીનો હજી વધુ વિકાસ થાય તે માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે -મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા

        મોરબી ખાતે શિક્ષણમંત્રી તેમજ મોરબી જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાના નવનિયુકત ધારાસભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો.

પટેલ સમાજ વાડી-શનાળા ખાતે મોરબી સિરામિક એસોસિએશન તથા મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન દ્વારા મોરબી પ્રભારી તેમજ શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લાના નવનિર્વાચીત ધારાસભ્યઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

આ તકે સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તમામ ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી નવી દિશા પર ઉદ્યોગ જગત પણ સરકાર સાથે જોડાય તેવો પણ આ સન્માનનો એક હેતુ છે. સિરામિક ઉદ્યોગના હબ એવા મોરબીનો હજી વધુ વિકાસ થાય તે માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. મોરબીની સમરસતા અને સિરામિક સહિત ઉદ્યોગ જગતની કામગીરીને મંત્રીએ આ તકે બિરદાવી હતી.

મોરબી જિલ્લા વાસીઓને તેમના વિલ પાવર ગણાવી મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તમામ ધારાસભ્યો વતિ તમામનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.

આ તકે મોરબી સિરામિક એસોસિએશન તથા મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસોસિએશન દ્વારા મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ધ્રાંગધ્રાં-હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સિરામિક એસોસિએશન-વોલ ટાઈલ્સ ડિવીઝન પ્રમુખ હરેશ બોપલિયા, સિરામિક એસોસિએશન-વિક્ટ્રીફાઇ ડિવીઝન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, સિરામિક એસોસિએશન-ફ્લોર ટાઈલ્સ ડિવીઝન પ્રમુખ વિનોદભાઈ ભાડજા, સિરામિક એસોસિએશન-સેનેટરી વેર ડિવીઝન પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિત સિરામિક એસોસિએશનના કારોબારી સભ્યો, ઉપ પ્રમુખઓ, પૂર્વ પ્રમુખઓ, અન્ય ઔદ્યોગિક તેમજ અન્ય એસોસિએશનના પ્રમુખઓ, ઉદ્યોગપતિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.