મોરબી : ખેડૂતોની તજજ્ઞો દ્વારા વિવિધ સરકારી યોજનાઓ તેમજ પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન અપાયું

મોરબીમાં કમલમની ખેતી માટે મોટા દહીંસરા ખાતે ખેડૂત શિબિર યોજાઈ

ગત ૨૪ જાન્યુઆરીના રોજ બાગાયતી યોજનાઓના પ્રચાર- પ્રસાર તથા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતી અર્થે રાજ્યભરમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર સાથે મોરબી જિલ્લામાં પણ માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામ ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ ખેડૂત શિબિરમાં આત્માના કર્મચારીઓ અને મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા બાગાયતી પાકમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા અને તેમની ઉપયોગીતા તેમજ વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની  મિશન મધમાખી, કોમ્પ્રીહેનસિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

વધુમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આત્મા દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોએ આ આ ખેડૂત શિબિરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની કચેરીની યાદીમાં જણાવાયું છે.