મોરબીના લાતી પ્લોટમાં પટેલ ટ્રાન્સપોર્ટ પાસે ઉભરાતી ગટરના પાણી લાતી પ્લોટમાં ફળી વળ્યા…!!

વગર ચોમાસે લાતી પ્લોટની શેરીઓ પાણી-પાણી

મોરબી પાલિકાને લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવતો લાતી પ્લોટની હાલત અતિ દયનીય હાલતમાં જોવા મળી રહી છે. વગર ચોમાસે પણ ઉભરાતી ગટરના પાણી રોડ પર ફળી વળતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાહદારીઓ અને વેપારીઓને લાતી પ્લોટ વિસ્તારમાંથી પસાર થવું પણ કઠીન બની ગયું છે.

લાતી પ્લોટ વિસ્તારના નં.6 ના છેલ્લે આવેલ પટેલ ટ્રાન્સપોર્ટ પાસે છેલ્લા 3 મહિનાથી ઉભરાતી ગટરના કારણે પાણી શેરીમાં ફરી વળી રહ્યા છે. જેના કારણે ફેક્ટરી અને દુકાનદારોને ભારે હાલાકી ભોગવી ધંધો કરવા મજબુર બન્યા છે. જ્યારે સ્થાનિક વેપારીઓ આ અંગે જણાવ્યું હતું કે, લાતી પ્લોટ વિસ્તારમાં 24 કલાક ગંદકીના પાણી ચાલુ રહે છે. ઉભરાતી ગટરના કોઈ કાયમી નિકાલ નથી કરવામાં આવતો. નગરપાલિકાને વખતો વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર રજૂઆત બાદ નગરપાલિકાની ટીમ મશીનો લઇને આવે છે અને જેવી તેવી સફાઈ કરીને જતી રહે છે.

એક બાજું હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે લાતી પ્લોટ વિસ્તારમાં 24 કલાક ગંદકીના પાણીથી વધુ ઠંડી પ્રસરી રહી છે. સાથે વેપારી-રાહદારીઓને પસાર થવામાં અનેક સમસ્યાઓ વેઠી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં લાતી પ્લોટ વિસ્તારમાં ગંદકીના પાણીના કારણે રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત છે. સાથે જ તાત્કાલીક ઉભરાતી ગટરનો નગરપાલિકા કાયમી નીવેડો લાવે તેવી માંગ ઉઠી છે.