મોરબી : સભારાવાડી શાળાના શિક્ષકની “વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ” માટે પસંદગી કરાઈ

માતૃભાષા અભિયાન અને શિક્ષણ વિદ્યાશાખા(IASE) ના સંયુક્ત ઉપક્રમે 21 ફેબ્રુઆરીના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ માતૃભાષામાં વિશેષ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતમાંથી દર વર્ષે ત્રણ શિક્ષકોની “વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ” માટે પસંદગી કરવામાં આવે છે ત્યારે મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક દલસાણીયા વિજયકુમાર મગનલાલની પસંદગી થતા શાળાનું અને મોરબી જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવા બદલ સૌએ અભિનંદન પાઠવ્યા છે.

અગાઉ પણ વિજયભાઈને 18 જેટલા સન્માનો પ્રાપ્ત થયા છે.રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ,ચિત્રકૂટ એવોર્ડ, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, રાષ્ટ્રીય એવોર્ડ (મંથન ગ્રુપ)જેવા એવોર્ડ મેળવ્યા‌છે
ભાષાની સમૃદ્ધિ માટે બાળકોમાં અને શિક્ષકોમાં જાગૃતિ ફેલાય તે માટે અનેક સેમિનારો કર્યા છે. સંશોધનો પણ કર્યા છે. શિક્ષણને લગતા તેમના લેખો પણ પ્રકાશિત થાય છે.

ભાષાના તજજ્ઞ તરીકે પણ ઘણી બધી તાલીમો આપી છે. બાળકોની ભાષા સમૃદ્ધ બને તે માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી છે.800 જેટલી પ્રવૃતિઓ અત્યાર સુધીમાં કરાવી છે. અનેક ઇનોવેશન પણ કર્યા છે. 21 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે આ એવોર્ડ આપી વિજયભાઈ દલસાણિયાને સન્માનિત કરવામાં આવશે

આ તકે “વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ” માટે પસંદગી થતા વિજયભાઈએ માતૃભાષા અભિયાન અમદાવાદનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.