ત્રણ હજારથી વધુ લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના સહયોગ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના- મોરબી માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા ગત ગુરૂવારે લોહાણા મહાજન સમાજ વાડી, ટંકારા ખાતે સરકારી આયુર્વેદ હોસ્પીટલ મોરબીના સહયોગથી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આયુષ મેળા પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ શિહોરાએ પ્રાચિન તથા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્તા વિશે લોકોને માહિતી આપી હતી. ઉપરાંત વધુને વધુ લોકોને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો અને આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવી હતી.
આયુષ મેળા દરમિયાન ૪૯૦ લાભાર્થીઓએ આયુર્વેદ નિદાન-સારવાર સેવા, ૨૨૧ લાભાર્થીઓએ હોમીયોપેથી નિદાન-સારવાર સેવા, ૬૦ લાભાર્થીઓએ જરા ચિકિત્સા સેવા, ૯૦ લાભાર્થીઓએ પ્રકૃતિ પરીક્ષણ સેવા, ૩૫ લાભાર્થીઓએ પંચકર્મ ચિકિત્સા સેવા, ૪૨ લાભાર્થીઓએ અગ્નિકર્મ ચિકિત્સા સેવા, ૪૨૭ લાભાર્થીઓએ અમૃતપેય-ઉકાળા-સંશમની વિતરણ સેવા, ૨૧૩ લાભાર્થીઓએ આર્સેનિક-આલ્બમ ૩૦ વિતરણ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત ૧૩૦ લાભાર્થીઓએ પ્રત્યક્ષ યોગ નિદર્શન તથા ૧૪૦૦ લાભાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું. આમ કુલ ત્રણ હજારથી વધુ લાભાર્થીઓએ આયુર્વેદની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.
આ તકે, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.પ્રવિણ વડાવિયા દ્વારા ઉપસ્થિત મહેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, હર્બલટી, વિવિધ તૃણ ધાન્યોમાંથી બનેલી વાનગીઓ વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી.
આયુષ મેળામાં મોરબી જિલ્લાના આયુર્વેદ તથા હોમીયોપેથી મેડીકલ ઓફિસરશ્રીએ, તથા AHWC ના યોગ ઇન્સ્ટ્રક્ટરએ સેવા આપી હતી.
આ આયુષ મેળામાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ શિહોરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા જિલ્લા પંચાયત સદસ્ય કમળાબહેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા બહેન કામરીયા ગ્રામ પંચાયત સરપંચ ગોરધનભાઈ ખોખાણી અને અગ્રણી જાહીરઅબ્બાસ યુસુફભાઇ સહિત અન્ય સ્થાનિક અગ્રણિઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.