પૌત્રના બાલમોવારા પ્રસંગે ચકલીના માળા રૂપે આમંત્રણ પત્રિકા બનાવી
મોરબી : મોરબીના સામાં કાંઠે રહેતા પ્રજાપતિ પરિવારે લુપ્ત થતી ચકલીને બચાવવા અનોખો પ્રયાસ કર્યો છે જેમાં તેમણે તેમના પૌત્રોના બાલમોવારા પ્રસંગની આમંત્રણ પત્રિકા ચકલીના માળા રૂપે બનાવી છે અને સગા સનેહીઓ તેમજ મિત્રોને 600 જેટલા ચકલીના માળાની આમંત્રણ પત્રિકા વિતરણ કરી છે.
મોરબીના સામાંકાંઠે ભડિયાદ રોડ ઉપર રહેતા અને કલેકટર કચેરીમાં ફરજ બજાવતા સુરેશભાઈ પ્રજાપતિએ પોતાના પૌત્રો ઓમ વિપુલભાઈ પ્રજાપતિ અને અક્ષ નિલેશભાઈ પ્રજાપતિના બાલમોવારા પ્રસંગની આમંત્રણ પત્રિકા તેમને ચકલીના માળા સ્વરૂપે બનાવી છે. પ્રજાપતિ પરિવારે જણાવ્યું હતું કે, તેમના સગા સ્નેહીઓના ઘરે લગ્ન કે અન્ય પ્રસંગની કંકોત્રી આવતી પણ આ કંકોત્રી ભગવાન કે માતાજીના ફોટાવાળી અને મોંઘીદાટ હોય પ્રસંગ પતી ગયા પછી કોઈ કામમાં આવતી નથી અને નકામી જાય છે. ત્યારે અમારા પરિવારમાં પૌત્રના બાલમોવારાનો પ્રસંગ આવ્યો તેની આમંત્રણ પત્રિકા બનાવવા માટે પરિવારે ચકલી બચાવવાના ભગીરથ કાર્યનો સરાહનીય વિચાર આવ્યો હતો. જેમાં આમંત્રણ પત્રિકા ચકલીના માળા રૂપે બનાવી છે.
મજાની વાત એ છે જે આ આમંત્રણ પત્રિકા અન્ય પત્રિકાની જેમ ફેંકી દેવાને બદલે લુપ્ત થતી ચકલીને ઘર રૂપે આશરો પૂરો પાડે છે. અન્ય આમંત્રણ પત્રિકા કરતા પણ ઓછા ખર્ચે બનતી આ આમંત્રણ પત્રિકા ચકલીના માળા રૂપે હોવાથી ઘરમાં ઉંચાઈએ કોઈપણ જગ્યાએ રાખી શકાય છે. જેથી ઘરમાં ચકલીનો વસવાટ થાય છે. આગામી 20 માર્ચે ચકલી દિવસ આવતો હોવાથી આ અનોખી આમંત્રણ પત્રિકા બનાવીને આ પરિવારે ચકલી બચાવવો અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું છે.