આરોગ્ય વિભાગની લોકોને સાવચેત રહેવા અપીલ: સરકારી તંત્ર પાસે પૂરતી દવાનો જથ્થો ઉપલબ્ધ
તાવ, ગળામાં દુખાવો અથવા શ્વાસ ચડવા જેવી સમસ્યા થાય તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો
હાલ H3N2 ચેપી રોગનો વાયરો ફેલાઈ રહ્યો છે, વર્તમાન સ્થિતિમાં આ ચેપ જોખમી નથી પરંતુ ચેપ સામે સાવધાની રાખવી જરૂરી છે અને તેનો ઈલાજ પણ ઉપલબ્ધ છે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતાબેન દવે એ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલનો ચેપ ઇન્ફ્લુએન્ઝા A ના બે પેટા પ્રકારોમાં H3N2 અને H1N1 છે. જે સ્વાઈન ફ્લૂ જેવો છે આ ફ્લૂના લક્ષણો વિવિધ પ્રકારના જોવા મળે છે તેમાં મુખ્યત્વે તાવ, ગળામાં દુખાવો, શ્વાસ ચડવો વગેરે છે.
વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ ચેપી વાયરસ ઇન્ફ્લુએન્ઝા A H3N2 અંગે સમગ્ર જિલ્લાના મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર, સુપ્રિટેન્ડેન્ટ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાથે વીડિયો કૉન્ફરન્સ મારફત બેઠક યોજેલ હતી. જેમાં રાજ્ય સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે માહિતી આપવામાં આવી હતી. અને સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. મોરબી જિલ્લામાં જાન્યુઆરી થી ૧૫ માર્ચ ૨૦૨૩ ના દિવસ સુધી H3N2 નો એક પણ કેસ નોંધાયો નથી.
રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી ડો. ડી.વી. બાવરવાએ ઇન્ફ્લુએન્ઝા H3N2 ના લક્ષણોનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે ચેપની અસર કુલ ત્રણ પ્રકારની છે જે તેના વિશિષ્ટ લક્ષણો પરથી ખ્યાલ આવી શકે છે જેમાં A પ્રકારમાં દર્દીને સામાન્ય તાવ અને ગળામાં દુખાવો રહે છે B પ્રકારમાં દર્દીને વધારે પ્રમાણમાં તાવ તથા ગળામાં વધારે દુખાવો રહે છે અન્ય C પ્રકારમાં શ્વાસ ચડવો, છાતીમાં દુખાવો થવો, ઘેન આવવું, બ્લડપ્રેશર ઘટવું, નખ હોઠ ભુરા થવા વગેરે લક્ષણો રહે છે.
આ પરિસ્થિતિમાં દર્દીને ટેસ્ટીંગ અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. ઇન્ફ્લુએન્ઝા A H3N2 ની સામાન્ય અસર હોય તો તાવ ૨ કે ૩ દિવસમાં ઉતરી જાય છે પરંતુ શરદી, ઉધરસ ૮ થી ૧૦ દિવસ સુધી રહે છે. સંક્રમિત દર્દી ૭ દિવસ સુધી અન્યને ચેપ ફેલાવી શકે છે, માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે. તાવ, ગળામાં દુખાવો અથવા શ્વાસ ચડવા જેવી સમસ્યા થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવો.
ઇન્ફ્લુએન્ઝા A H3N2 ની સારવાર મોરબી જિલ્લાના PHC સેન્ટર, UPHC સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ઇન્ફ્લુએન્ઝા A H3N2ની સારવારની અસરકારક દવા ઓસેલ્ટામાવીર કેપ્સુલ તથા બાળકો માટેની સીરપ નો મોરબી જિલ્લામાં જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
સાવધ રહો આટલું કરો
- જાહેરમાં થૂંકવું નહીં
- છીંક અને ઉધરસ આવે ત્યારે મોં અને નાક ઢાંકવું.
- ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું.
- ચેપથી બચવા સાબુ અને પાણીથી હાથ ધોવા.
- કોઈ સાથે હાથ ન મિલાવવો અથવા તેમજ ભીડભાળ વાળી જગ્યાએ જવાનું ટાળવું
- પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું.
- બીજાની નજીક બેસીને સાથે ભોજન કરવું નહી.
- આંખો અને નાકને સ્પર્શ કરવાનું ટાળવું.
- ડૉક્ટરની સલાહ લીધા વિના એન્ટિબાયોટિક્સ અથવા અન્ય દવાઓ ન લેવી