આરોગ્ય ક્ષેત્રનું આગવું એન.ક્યુ.એ.એસ. સન્માન ઘુંટુ પી.એચ.સી.ના નામે, દર્દીઓની સેવા અને સુવિધામાં શ્રેષ્ઠ કામગીરી
મોરબી જિલ્લો તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખર સર કરી રહ્યો છે. ત્યારે જિલ્લાના ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ગુણવત્તાની દ્રષ્ટીએ રાષ્ટ્રીયકક્ષાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંતર્ગત ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ આપવામાં આવ્યું છે.
આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રીયકક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે અગાઉ જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાએ અને રાજ્યકક્ષાએથી રાષ્ટ્રીયકક્ષાએ અરજી કરવામાં આવી હતી. આ અંતર્ગત વિવિધ માપદંડ પ્રમાણે ઘુંટુ આરોગ્ય કેન્દ્રનું સર્વાંગિક મુલ્યાકન કરવામાં આવ્યું હતું. આ માપદંડમાં ઓપીડી, ઇનડોર વિભાગ, લેબરરૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ મિશનના વિવિધ પ્રોગ્રામ તથા જનરલ એડમીનીસ્ટ્રેશન, ફાઇનાન્સને લગતી વિવિધ બાબતો, દર્દીઓને આપવામાં આવતી સેવા, દર્દીઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકીંગ રાષ્ટ્રીયકક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્યની સેવા તથા સુવિધા બાબતે દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.
વિવિધ ચેકલીસ્ટ પ્રમાણે ચેકીંગ બાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સેવા-સુવિધાની ગુણવત્તા સંબંધિત કુલ ૯૭.૪૭ ટકા માર્ક્સ સાથે આ આરોગ્ય કેન્દ્રને એન.ક્યુ.એ.એસ. એટલે કે નેશનલ ક્વોલીટી એસ્યોરન્સનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું છે ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું આ પ્રમાણપત્ર મળ્યું છે જેથી સ્થાનિકોને મળતી સુવિધા અને તબીબી સેવાઓ અને સુવિધાઓમાં પણ ઉત્તરોત્તર વધારો થશે. જિલ્લાને આરોગ્ય ક્ષેત્રે મળેલ આ સન્માન બદલ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતા દવે તથા સમગ્ર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જીજ્ઞેશ પંચાસરા અને ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આખી ટીમ તથા સમગ્ર જિલ્લા આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.