યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા, ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ હડતાલ કરી હોવાથી 116 યુવાનોએ પ્રતીક ઉપવાસ કર્યા, શહીદ દિવસે 100 યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા
મોરબી : આજે શહીદ દિવસે સમગ્ર દેશે શહીદ ભગતસિંહ, રાજયગુરુ અને સુખદેવની વીરાંજલીને કોટી કોટી પ્રણામ કર્યા છે ત્યારે શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોથી પ્રભાવિત થઈને હરહંમેશ દેશ ભક્તિને ઉજાગર કરતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોમર્સ કોલેજની સાથે મળી ભારતમાતાના વીર સપૂતોને ખરા અર્થમાં વીરાંજલી આપવા માટે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજી હતી. જેમાં મોટી સંખ્યા લોકોએ જોડાઈને વિશાળ તિરંગાને ગૌરવભેર સલામી આપીને શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને વીરાંજલી અપર્ણ કરી હતી.
મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે તા.23 માર્ચ શહીદ દિવસની લોકોમાં દેશ પ્રત્યે મરી મીટવાની ભાવના જાગે અને લોકો દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોની વીરતાને ખરા અર્થમાં નમન કરે તે રીતે અનોખા અંદાજમાં ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા સંયુક્ત રીતે આજે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજવામા આવી હતી. જેમાં બાળકો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિશાળ તિરંગા યાત્રામાં યુવાનોએ ગૌરવભેર તિરંગાને ઊંચકી શહેરના મુખ્યમાર્ગો ઉપર નીકળીને વંદે માતરમ તેમજ શહીદો અમર રહોના નારા લગાવી શહીદોની દેશભક્તિને આત્મસાત કરવાના સંકલ્પ લીધા હતા.
મોરબીના સ્કાય મોલથી ગાંધીચોક સુધીની આ તિરંગા યાત્રા ગાંધીચોક ખાતે આવેલી શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચીને ભગતસિંહની પ્રતિમાને ફુલહાર તેમજ પ્રતીકાત્મક દૂધનો અભિષેક કરીને ભાવવંદના કરાઈ હતી. જ્યારે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓએ જેલવાસ દરમિયાન અંગ્રેજોની જોહુકમી સામે આવાજ ઉઠાવવા 116 દિવસની ભૂખ હડતાલ કરી હતી. આથી શહીદ દિવસે મોરબીના 116 યુવાનો એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને શહીદ ભગતસિંહને અનોખી રીતે વીરાજંલી અર્પણ કરી હતી. આ ઉપરાંત 100 યુવાનોએ વ્યસન મુક્તિના સંકલ્પ લીધા હતા.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આ તકે,જણાવ્યું હતું કે, શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓએ ભારતમાતાને અંગ્રેજી હુકુમતની ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત કરાવવા આપેલું બલિદાન એળે ન જાય તે જોવાની આપણે બધા ભારતીયોની ફરજ છે. દરેક ભારતીય આદર્શ નાગરિક બનીને જવાબદારીનું વહન કરે તેજ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે. માત્ર લશ્કરના જવાનોમાં જ નહીં આપણે દરેક ભારતવાસીઓમાં “તેરી મિટ્ટી મેં, મિલ જાવા, ગુલ બન કે, મેં ખીલ જાવા, બસ ઈતન સી હૈ ખ્વાહિશ” આવી દેશભક્તિ કેળવાઈ તે માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.