મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જી.ટી.પંડયા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્સ) અને અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામુ તા. ૨૩/૦૫/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.