ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળશે, તમામ જ્ઞાતિ દ્વારા સ્વાગત કરાશે, નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે
મોરબી : મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં તા.30 માર્ચના રોજ સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે. રામનવની નિમિતે શહેરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.
શોભાયાત્રા માટે ખાસ ભગવાન શ્રી રામની સાત ફૂટની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી છે. ભગવાન શ્રી રામની સાથે પરમ રામભક્ત અને મહાબલી હનુમાનજીની પણ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. શોભાયાત્રામાં આ મૃતિઓની સાથે સાત આકર્ષક 7 ફ્લોટ પણ રજૂ કરવામાં આવશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ શોભાયાત્રા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલેથી પ્રસ્થાન થઈને વીસી ફાટક, ત્રિકોણ બાગ, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, રામચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક રવાપર રોડ, એચડીએફસી બેન્કની ચોકડી, ગાંધીચોક અને નહેરુ ગેઇટ થઈને પુર્ણાહુતી થશે. શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવશે અને શહેરમાં નહેરુ ગેઇટ ચોક સહિત ઠેરઠેર કેસરિયા ધજાકા પતાકા અને રોશનીનો શણગાર કરાયો છે અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિતે રામજી મંદિરોમાં મહાઆરતી, પૂજા અર્ચના સહિતના કાર્યક્રમો યોજાશે.
તમામ સંસ્થાઓ, તમામ જ્ઞાતિઓ આ વખતે ભગવાન રામલલ્લાનો જન્મદિવસ ઉજવવા એક છત્ર નીચે આવીને ભગવાન રામના જન્મોત્સવ ઉજવવા સર્વ હિન્દૂ સમાજની રચના કરીને પ્રથમ વખત મોરબીમાં સર્વ હિન્દૂ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરાશે. ભવ્ય શોભાયાત્રા, મહાઆરતી, પૂજા અર્ચના સાથેસાથે નહેરુ ગેઇટ ચોકમાં લાઈવ ઓરક્રેસ્ટ્રા સહિત ભજન સંધ્યા યોજાશે. ઉપરાંત આ શોભાયાત્રામાં દરેક શ્રદ્ધાળુઓને અને ખાસ યુવાનોને ધોતી અને કુર્તામાં સજ્જ થઈને જોડાવવાની અપીલ કરવામાં આવી છે.