યંગ ઇન્ડિયા ગ્રૂપે કચ્છ, જામનગર, ભાવનગર, અમદાવાદ, દ્રારકાના 800થી વધુ ઉમેદવારોને રહેવા જમવાની સુવિધાઓ આપી પરીક્ષા. કેન્દ્રો પર પહોંચાડયા
મોરબી : મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નાત જાતના બંધનોથી સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરી આજે લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બહારગામના ઉમેદવારોને જરાય હાલાકી ન પડે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા બહારગામના ઉમેદવારોને રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જેમાં આ ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધાઓ આપવાની સાથે તેમના પરીક્ષા કેન્દ્રો ઉપર પણ પહોંચાડ્યા હતા.
મોરબી ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા બહારગામના પરિક્ષાર્થીઓને હાલાકી ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની મદદે આવ્યું છે અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બહારગામના પરિક્ષાર્થીઓ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રહેવા તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત બનાવાયું હતું. જેમાં કચ્છ, જામનગર, ભાવનગર, અમદાવાદ, દ્રારકાના 800થી વધુ ઉમેદવારો નોંધાયા હતા.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા તમામ જ્ઞાતિના ઉમેદવારો માટે વિનામૂલ્યે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી હતી. આ ઉમેદવારો બહારના જિલ્લાના હોય ઘણા ઉમેદવારોનું મોરબીમાં કોઈ પરિચિત ન હોય રહેવા અને જમવા જ્યાં ત્યાં ભટકવું ન પડે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની મદદે આવ્યું હતું. આ 800 જેટલા ઉમેદવારોને નિયમિત રહેવા જમવાની વ્યવસ્થા કરી એટલું જ નહીં પણ વાહનો દ્વારા આ ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્રો પર નિયત સમયે પહોંચાડવામાં આવ્યા હતા.