મહારાણા પ્રતાપનું નામ લેતા જ આપણે અદમ્ય સાહસ અને વીરતાનો અનુભવ કરીએ છીએ પરંતુ શું તેમનાં દાદા રાણા સાંગા વિશે જાણો છો?
સિસોદિયા વંશના મહાન રાજા રાણા સાંગા એટલે કે રાણા સંગ્રામસિંહ ઉદયપુરના રાજા હતા. તેમણે મેવાડ પર ઇ. સ. 1509 થી 1527 સુધી શાસન કર્યું. આ સૂર્યવંશી રાજપૂતે વિદેશી આક્રમણકારો સામે બધા રાજપૂતોને એક જૂથ કર્યા હતા. પોતાની બહાદુરી અને ઉદારતા માટે પ્રખ્યાત રાણા સાંગાના એક વિશ્વાસઘાતીને કારણે તેઓ બાબર સામે યુદ્ધમાં હાર્યા હતા.
તેમણે પોતાના શાસનકાળ દરમિયાન દિલ્હી, ગુજરાત અને માળવાને મુગલોથી રક્ષણાત્મક કવચ પૂરું પાડ્યું હતું . તેઓ પોતાના સમયના સૌથી શક્તિશાળી હિન્દુ રાજાઓમાંના એક હતા. તેમના શાસનકાળ દરમિયાન મેવાડ તેની સમૃદ્ધિના સૌથી ઊંચા શિખર હતું. રાણા સાંગા અદમ્ય સાહસી હતા. પોતાનો એક હાથ અને એક આંખ ગુમાવ્યા અને અસંખ્ય ઘા હોવા છતાં વીરતાનું ઉદાહરણ પૂરું પાડતાં સુલતાન મોહમ્મદ શાસક માંડુને યુદ્ધમાં હરાવી, બંદી બનાવી અને ઉદારતાપૂર્વક તેમને તેમનું શાસન પાછું આપ્યું હતું . ઉદારતા અને બહાદુરીની મૂર્તિ રાણા સાંગાના જન્મદિનને તેમને શત શત નમન.
આલેખન – રાધિકા જોશી