ધ્રાંગધ્રા ખાતે ઈન્ડીયન આર્મીના ભૂમિદળ કેમ્પસમાં કર્નલના હસ્તે જગદીશ ત્રિવેદીનું ભવ્ય સન્માન

જગદીશ ત્રિવેદીએ પ્રતિભાવમાં શહીદો માટે મોટી રકમનું દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી

વિશાલ જયસ્વાલ હળવદ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે ભારતીય સેનાના ભૂમિદળનો બહું મોટો કેમ્પ વરસોથી કાર્યરત છે એ સૌ કોઈ જાણે છે. આ કેમ્પસની બહાર પાકીસ્તાન સાથેના યુદ્ધ દરમ્યાન પાકીસ્તાની સૈનિકો પોતાની તોપ મૂકીને ભાગી ગયા હતા એ પાકીસ્તાની તોપ ભારતીય સૈનિકોની વીરતાને સલામી ભરતી ઉભી છે.

થોડા દિવસો પહેલા આ કેમ્પસના કમાન્ડીંગ ઓફીસર અને કર્નલ દીપકરાજ શર્મા તરફથી હાસ્યકલાકાર અને સમાજસેવક ડો.જગદીશ ત્રિવેદી કેમ્પસમાં પધારવાનું નિમંત્રણ મળ્યું હતું.

એમણે ત્યાં જઈને જોયું તો કેમ્પસનાં આઠ જેટલા મોટા ઓફીસર્સ અને મોટી સંખ્યામાં સૈનિકો એમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાં આવેલા ઓડીટોરીયમમાં ડો. જગદીશ ત્રિવેદીની સમાજસેવા માટે અને ખાસ કરીને સૈનિકો અને શહીદો પ્રત્યેક લાગણી બદલ મોમેન્ટો આપીને રેજીમેન્ટસ તરફથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

જગદીશ ત્રિવેદીએ હીન્દી ભાષામાં સૈનિકોનો જુસ્સો વધે એવું પ્રેરણાદાયી પ્રવચન કર્યુ હતું અને પોતે પુલવામા હુમલા વખતે અને હર ઘર તિરંગા અભિયાન વખતે સૈનિક રાહતફંડમાં પાંચ-પાંચ લાખનું અનુદાન આપી ચૂક્યા છે છતાં ભવિષ્યમાં શહીદો માટે મોટી રકમ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.