તા.૨૧-૦૪-૨૦૨૩ના મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ સંકલન બેઠકમાં ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબી શહેરના લાતી પ્લોટને તમામા પ્રાથમિક સુવિધા ઉપલ્બ્ધ કરવા માટેની યોજના બનાવવા જણાવ્યું હતું. મચ્છુ-૨ની કેનાલમાં ભળી જતા ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરવા પર ભાર મુકી મોરબીથી માળીયા જતા રોડની બન્ને બાજુ ભરાતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવવા પણ જણાવ્યું હતું. ઉપરાંત નેશનલ હાઇ-વે ને ક્રોસ કરતા ગામડાનાં રોડ પર ભુગર્ભની સફાઈ, રોડના બન્ને બાજુના દબાણ હટાવવા, સરકાર દ્વારા ચાલતી સૌની યોજના હેઠળ પાઇપલાઇનથી ૩ કી.મીની મર્યાદામાં આવતા તળાવ ચેકડેમ સાંકળવા, પ્રજાની મુશ્કેલીને હલ કરવા વાંકાનેર થી ભાવનગર જતી વધું એક બસ ચાલુ કરાવવી, ઉપરાંત જાહેર વિસ્તારો આસપાસ આવેલ ગેરકાયદેસર માંસાહારી લારીઓ કે દુકાનો હટાવવી વગેરે જેવા વિવિધ પ્રશ્નોની રજૂ કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણી, હળવદ-ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, નિવાસી અધિક કલેકટરએન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ.શિરેસિયા તથા વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.