મોરબી જિલ્લામાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ

                દર વર્ષે ૨૫-એપ્રિલના દિવસને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ખાસ કરીને આ દિવસ દરમ્યાન મેલેરિયા અટકાયતી વિવિધ પ્રવુતિઓ ઉપરાંત મેલેરિયાથી તકેદારી રાખવા જનજાગૃતિ વગેરે પ્રવુતિઓ ઝુંબેશના રૂપમાં કરવામાં આવે છે. જેનો ઉદેશ  ગુજરાતને મેલેરિયા મુક્ત તરફ લઇ જવાનો હોય છે.

                આ અનુસંધાને મોરબી જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતા દવેના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીના આયોજનના અનુસંધાને મોરબી જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા અર્બન હેલ્થ સેન્ટર તેમજ સબ સેન્ટર કક્ષાએ ૨૫-એપ્રિલ ૨૦૨૩ ના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 જેમાં લોકોમાં મેલેરિયા બાબતે જનજાગૃતિ લાવવા માટે પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા જેવા કે પોરા ભક્ષક માછલીઓ અને પોરાઓના જીવંત નિરદર્શન દ્વારા પોરા ભક્ષક માછલીઓ પાણીમાં રહેલ મચ્છરના પોરાઓને કઈ રીતના ખાય છે જે અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પત્રિકાઓના વિતરણ દ્વારા મેલેરિયા અટકાયતી પગલા બાબતે જન-જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓને મેલેરિયાથી બચવા માટે શું-શું કરવું તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જૂથ ચર્ચા, વ્યક્તિગત મુલાકાત, લઘુ શિબિરો, ગુરુ શિબિરો, રેલી, રંગોળી તથા સોશીયલ મીડિયા વગેરે વિવિધ માધ્યમો દ્વારા લોકોમાં મેલેરિયા અટકાયતી પગલા તેમજ તકેદારી બાબતે આ દિવસે અભ્યાન સ્વરૂપે જન-જાગૃતિ અંગેના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

 અગાઉ પણ મેલેરિયા અટકાયતી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લા વિસ્તારના ૭૬૭ કાયમી જળાશયોમાં પોરા ભક્ષક માછલીઓ મુકવામાં આવેલ કે જે માછલીઓ પાણીમાં રહેલ મચ્છરના પોરાઓને ખાય અને મચ્છરનો ઉપદ્રવ અટકાવે છે. તેમજ ઘર વપરાશ માટે સંગ્રહ કરેલ પાણીના પાત્રો તપાસી પાણીના પાત્રોમાં મચ્છરના પોરા ના થાય તેના માટે એબેટ સારવાર તેમજ પાણીના પાત્રો ચુસ્તપણે ઢાકીને રાખવા, સમયસર સાફ કરવા વગેરે બાબતે લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતા દવેની યાદીમાં જણાવાયું છે.