એ બાળક ને ક્યાં ખબર હતી કે મારા પપ્પા હવે ક્યારેય ઘરે નહિ આવે -પીકઅપ સ્ટેન્ડમાં બેઠેલા યુવાન બોલેરો ચડી જતા મોત

પાંચ વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકાના દેવળીયા પિકઅપ સ્ટેન્ડમાં બેઠેલા યુવાનને પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતા ડિવાઈડર ઠેકાડી અડફેટમાં લીધો હતો. જેથી તેને ગંભીર ઈજા પહોંચતા હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતુ. જે બાદ અમદાવાદ ખાતે તેનું પીએમ કરીને અકસ્માતમાં મોત નીપજાવનાર બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આ બનાવમાં યુવાનને અડફેટમાં લેતા પાંચ વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી આમ જવાન જોધ દીકરો ગૂમાવતા પરિવારમાં પણ કાળો કલ્પાંત સર્જાયો છે.

મળતી માહિતી મુજબ તારીખ 28ના રોજ પાંચ વાગ્યાના અરસામાં દેવળીયા પાસે નવા માલણીયાદના સામજીભાઈ ગંગારામભાઈ કણઝરીયા પીકઅપ સ્ટેન્ડમાં બેઠા હતા અને તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બોલેરો કાર નંબર MH-46-N-6569ના ચાલકે ડિવાઈડર ઠેકાડી સામજીભાઈને અડફેટમાં લીધા હતા. જેથી કરીને તેમને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા હળવદની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી. અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા અમદાવાદ ખાતે જ મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતું. મૃતકને સંતાનમાં એક પાંચ વર્ષનું બાળક હોય અને સાથે પરિવારે પણ જવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. આ બનાવમાં વધુ વાત કરવામાં આવે તો અણીયારી પાસે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતા સામજીભાઈ કામકાજથી હળવદ આવ્યા હતા અને હળવદથી પરત ફરતી વેળાએ બોલેરો કારે અડફેટમાં લેતા તેમનું મોત નીપજ્યું હતું.