સખી મંડળને મળી સરકાર દ્વારા રૂપિયા ૩,૫૦,૦૦૦ ની સી.સી. લોન

‘અમારા સખી સંઘને મળેલા ૨૧,૦૦,૦૦૦ રૂપિયાના સી.આઇ.એફ. ફંડમાંથી અમે પશુપાલન, ખેતી, લેધર બેગ, કટલેરી અને ફરસાણની દુકાન વગેરે વ્યવસાય કરીએ છીએ..”- દેવ મિશન મંગલમ જૂથના એક સખી મનીષાબેન પટેલ

આજની નારી ઘરની સાથો સાથ વ્યસાયને પણ કુશળતાપૂર્વક ચલાવી જાણે છે. તે પોતાની આવડત અનુસાર રોજગારી ઉભી કરી ઘરમાં આર્થિકરૂપે મદદગાર સાબિત થઇ છે. આવી સ્ત્રીઓ માટે ખાસ સરકારે ‘સખી NLRM ની યોજના બનાવી છે. જેમાં સરકાર દ્વારા રોજગારી શરૂ કરવા માટે મહિલાઓને લોન સહિતની વિવિધ સહાય આપવામાં આવે છે. આ યોજના થકી અનેક  સ્ત્રીઓ પોતાના સખી મંડળ બનાવી પોતાની શક્તિ અનુસાર અન્ય સ્ત્રીઓને પણ રોજગારી આપી રહી છે. આ સખી મંડળમાં ઓછામાં ઓછી કુલ ૧૦ સ્ત્રીઓને જોડવાનું રહે છે.

NLRM ની યોજના હેઠળ મોરબી તાલુકાના બગથળા ગામનાં સખી મંડળના એક સખી મનીષાબેન પટેલ કહે છે કે, મારા સખી મંડળનું નામ દેવ મિશન મંગલમ જૂથ છે, જેમાં અમે કુલ ૧૦ સખીઓ જોડાયેલા છીએ. અમને સરકારશ્રી તરફથી રૂપિયા ૩,૫૦,૦૦૦ (૩ લાખ ૫૦ હજાર) ની સી.સી. લોન મળી છે. જેમાંથી અમે ગૃહ ઉદ્યોગ અને લેધરબેગનો વ્યવસાય કરીએ છીએ ઉપરાંત અમે સખી સંઘ મંડળ પણ બનાવ્યું છે જેમાં અમને રૂપિયા ૨૧,૦૦,૦૦૦ (૨૧ લાખ) સી.આઇ.એફ. ફંડ તરીકે મળેલ છે. આ રકમમાંથી અમે પશુપાલન, ખેતી, લેધર બેગ, કટલેરીની દુકાન અને ફરસાણની દુકાન વગેરે વ્યવસાય કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ.’