મોરબી ખાતે તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે

સ્પર્ધકોએ  ૧૧ જુલાઈ સુધીમાં ફોર્મ ભરી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતે જમા કરાવવા

        રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા તાલુકા કક્ષા યુવા ઉત્સવ ૨૦૨૩-૨૪નું  આયોજન કરવામાં આવ્યુ છે.

આ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય – હિંદુસ્તાની, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ ૯ સ્પર્ધાઓ “અ” તથા “બ” બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઇ, લગ્નગીત, આમ કુલ ૫ સ્પર્ધાઓ માત્ર “બ” વિભાગ માટે યોજાશે. જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમુહગીત, લોકનૃત્ય, લોક્ગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત –કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું) , ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, એમ ૧૯ સ્પર્ધાઓ “ખુલ્લા” વિભાગમાં યોજાશે.

આ સ્પર્ધામાં ૧૫ વર્ષથી ઉપર અને ૨૦ વર્ષ સુધીના વિભાગ “અ” (૩૧/૧૨/૨૦૦૩ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા), ૨૦ વર્ષથી ઉપર અને ૨૯ વર્ષ સુધીના વિભાગ – બ (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા) તથા ૧૫ વર્ષ થી ઉપરના અને ૨૯ વર્ષ સુધીના “ખુલ્લા” વિભાગમાં (૩૧/૧૨/૧૯૯૪ થી ૩૧/૧૨/૨૦૦૮ વચ્ચે જન્મેલા) ભાગ લઇ શકશે.

આ યુવા ઉત્સવમાં તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક  ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા.૧૧-૭-૨૦૨૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૧૧-૦૭-૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.