બગથળા ગામે સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાણોને હટાવાયા

૧૦૦ ચો.વાર પ્લોટ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્લોટ ફાળવી શકાય તે માટે ત્વરિત કામગીરી હાથ ધરાઈ

મોરબી તાલુકાના બગથળા ગામે જરૂરિયાતમંદ લોકોને ૧૦૦ ચોરસ વાર પ્લોટની ફાળવણી કરી શકાય તે માટે સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાણોને હટાવવામાં આવ્યા હતા.

મોરબીના બગથળા ગામે અંદાજીત ૪ હેકટર જેટલી સરકારી ખરાબાની જમીનમાં જુનું દબાણ થયેલ હતું. આ દબાણોના કારણે બગથળા ગામના ૧૦૦ ચો.વાર પ્લોટ વિહોણા ૪૫ જેટલા લાભાર્થીઓને પ્લોટ/મકાન ફાળવવા માટે નવું ગામતળ નીમ કરવામાં મુશ્કેલી પડતી હતી. આ જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની માટેની કામગીરી ઝડપથી થઇ શકે તે માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ લોકહિતાર્થે ત્વરિત નિર્ણય લઈ દબાણ હટાવવા માટેની કવાયત હાથ ધરી હતી.

જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબી મામલતદાર (ગ્રામ્ય) અને મોરબી તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમ બનાવી અંદાજે ૪ હેક્ટર જેટલી સરકારી જમીનનું દબાણ હટાવી આ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.