રાજ્યના 51,700થી વધુ બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સને SAT-COMના માધ્યમથી તાલીમ અપાઈ

આગામી તા.21 જુલાઈથી એક માસ સુધી ચાલનારા હાઉસ ટુ હાઉસ સરવેને અનુલક્ષીને BLO ઍપના ઉપયોગ અને મતદાર નોંધણી અંગે અપાયું વિસ્તૃત માર્ગદર્શન

એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે અને ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2024 શરૂ થાય તે પૂર્વે આગામી તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાથ ધરવામાં આવનાર હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરીને અનુલક્ષીને રાજ્યભરના BLO અને સુપરવાઈઝર્સને ઈ-માધ્યમ થકી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ દ્વારાતાલીમ આપવામાં આવી હતી.

ફૂટ સોલ્જર્સ ઑફ ઈલેક્શન તરીકે ઓળખાતા બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ ચૂંટણી તંત્રનું સૌથી મહત્વનું અંગ છે. તેમની કામગીરીને વધુ સુદ્રઢ અને સરળ બનાવવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સમયાંતરે તેમને જરૂરી તાલીમ આપવામાં આવે છે. આગામી તા.21 જુલાઈથી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવેહાથ ધરવામાં આવનાર છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુટ ઑફ સ્પેસ ઍપ્લિકેશન એન્ડ જીઓ-ઈન્ફોર્મેટીક્સ (BISAG) ના સંકલનથી SAT-COMએટલે કે સેટેલાઈટ કમ્યુનિકેશનના માધ્યમથી રાજ્યભરના 51, 781 બુથ લેવલ ઑફિસર્સ અને આશરે 5,000 જેટલા સુપરવાઈઝર્સને મતદારયાદી સુધારણા અને BLO ઍપ્લિકેશન અંગે વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવતા હવેથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે ત્યારે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા બુથ લેવલ ઑફિસર્સને હાઉસ ટુ હાઉસ સરવે દરમ્યાન તા.01/10/2023ના રોજ લાયકાત ધરાવતા પણ નોંધાયેલા ન હોય તેવા નાગરિકોના ફોર્મ મેળવવા અને તા.01/10/2024 સુધીમાં જે નાગરિકો 18 વર્ષ પૂર્ણ કરનાર છે તેવા સંભવિત મતદારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મૃત્યુ પામેલા તથા કાયમી સ્થળાંતર કરનાર મતદારો અંગે નિયમાનુ સાર કાર્યવાહી કરવા અંગે તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ દરમ્યાન રાજ્યભરના BLO તથા સુપરવાઈઝર્સને અદ્યતન BLO મોબાઈલ ઍપ્લિકેશનનું નિદર્શન અને તેના ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ સત્રમાં વિવિધ જિલ્લાના BRC અને CRC ભવન તથા મામલતદાર કચેરીઓ ખાતેથી રાજ્યભરના બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ જોડાયા હતા