મોરબીના સરસમેળામાં વાંસથી બનેલ વસ્તુઓએ જમાવ્યું આકર્ષણ

“સરકાર દ્વારા તાલીમ મેળવીને લોકોને મનગમતી વાંસની વસ્તુ બનાવીએ છે.” – રમિલાબેન

પ્લાસ્ટીકની ચમકથી ઘેલા ન થઈએ: એક પગલું માંડીએ, ફરી પ્રકૃતિને અપનાવીએ, વાંસની વસ્તુમાં રાખેલ ભોજન જલ્દી બગડતુ નથી અને વાંસની વસ્તુમાં જીવાત પણ થતી નથી

        હાથ મહેનત અને કલાને ઓળખી, તેને  આવકારી  વારંવાર લોકો સમક્ષ લાવતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સખીમંડળ યોજનાની રચના કરીને નારી શક્તીની કલાત્મક્તાને લોકો સમક્ષ જીવંત કરી છે. સખીમંડળની આ યોજના દૂર અંતરિયાળ ગામની મહિલાઓ સુધી પહોંચી છે. આપણે અત્યારે વાત કરવી છે. એવા જ એક અંતરિયાળ ગામની પંચમહાલ જિલ્લાના પાલ્લા ગામની અને આ ગામના સખીમંડળ ‘જય માતાજી મિશન મંગલમ્’ની.

        આજે જ્યારે લોકો કુદરતી સંસાધનમાંથી બનેલ સ્વાસ્થ્ય અને પ્રકૃતિ બન્ને માટે હિતાવહ વસ્તુનો ઉપયોગ ટાળીની ભરી ભરીને પ્લાસ્ટીકનો વપરાશ કરી પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે, ત્યારે  પંચમહાલ જિલ્લાના પાલ્લા ગામનું જય માતાજી મિશન મંગલમ્ સખીમંડળ કુદરતી રીતે ઉગેલા જંગલના વાંસમાંથી બનાવેલ વાંસની વસ્તુ બનાવીને પ્રકૃતિના રક્ષણ સાથે માનવ હિતનું કામ પણ કરી રહ્યા છે.

         જય માતાજી મિશન મંગલમ્ સખીમંડળના સખી રમિલાબેન કલ્યાણભાઈ વાલ્મિકી જણાવે છે કે, “અમે પરંપરાગત વાંસમાંથી ટોપલી બનાવતા હતા, પરંતુ સરકાર દ્વારા તાલીમ મેળવીને લોકોને મનગમતી વાંસની વસ્તુ બનાવીએ છે. અમે બે પ્રકારના વાંસ એક નેતર અને બીજા જંગલના લીલા વાંસમાંથી  ટોપલી, કુંજો, ફાનસ, બોક્સ, સુપડા, સાબડી, મોબાઈલ સ્ટેન્ડ ગ્લાસ, થાળી વગેરે જેવી વસ્તુઓ બનાવીએ છીએ. પ્લાસ્ટીકની વસ્તુ કરતા વાંસની વસ્તુમાં રાખેલ વસ્તુ જલ્દી ખરાબ થતી નથી અને તેમા જીવાત પણ થતી નથી. આ સાથે અમે ભગવાનને ચઢાવવાના ભોગની થાળી પણ વાંસમાથી બનાવીએ છીએ. વાંસમાથી ડેકોરેશનની વસ્તુ પણ બનાવવામાં આવે છે. ઉપરાંત વધેલા કુચામાંથી દોરી બનાવીને ચકલીના માળ પણ બનાવીએ છીએ.

અમારા દ્વારા બનાવેલ આ વાંસની વસ્તુ વેચવામાં સરકાર દ્વારા ખુબ સહકાર મળી રહ્યો છે. સરકાર દ્વારા ઘર સુધી આવીને અમને યોજના વિશે માહિતી આપવવામાં આવે છે. સરકાર મેળા હોય ત્યાં લઈ જાય છે અને રહેવા, જમવાનો, ભાડાનો તમામ ખર્ચો તે ઉઠાવે છે. ઉપરાંત અમારા દ્વારા બનાવેલ વસ્તુનું વેચાણ કરાવવામાં પણ મદદ કરે છે, તેમણે અમને માર્કેટ પૂરું પાડ્યું છે.”

આજે જ્યારે આપણે બેફામ પ્લાસ્ટીકની ચમકને અપનાવી રહ્યા છે. ત્યારે એક પગલું ફરી પાકૃતિક સંસાધનને અપનાવવામાં ભરીએ.