મોરબી ‘સરસ’ મેળામાં વિવિધ વસ્તુઓનું વેચાણ; વર્ષે રૂ. 3 લાખ જેવો માતબર નફો મેળવે છે લીલાબેન મકવાણા
૨૧મી સદીમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રે પુરૂષ સમોવડી બની રહી છે. આર્થિક ક્ષેત્રે પણ આજે સ્ત્રીઓ પગભર થઈ પરિવારને નાણાકીય હુંફ પૂરી પાડી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મહિલાઓના આર્થિક વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિવિધ યોજનાઓ શરૂ કરેલી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહિલાઓના વિકાસ માટેની યોજનાઓને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા છે.
મહિલાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે મોરબીમાં ‘સરસ’ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સરસ’ મેળામાં ગુજરાતભરના જિલ્લામાંથી જુદી જુદી મંડળીના બહેનો હાથે બનાવેલી વિવિધ વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર તરફ આગેકૂચ કરી હતી. ત્યારે મોરબીના ‘સરસ’ મેળામાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામની જય શ્રી કૃષ્ણ સખી મંડળના બહેનોએ સ્ટોલમાં હેન્ડી ક્રાફ્ટની વિવિધ વસ્તુઓનું વેચાણ કર્યુ હતું.
મંડળના લીલાબેન ઓખાભાઈ મકવાણા કહ્યું હતું કે “વર્ષ ૨૦૦૯ થી મંડળની શરૂઆત કરી હતી. અમે જય શ્રી કૃષ્ણ સખી મંડળમાં ૧૦ બહેનો કાર્યરત છીએ. છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં અને રાજ્ય બહાર યોજાતા મેળામાં જઈને બહેનો દ્વારા કુર્તી, બેડશીટ, કપડાં, ટેબલ કવર, ફોન કવર, વગેરે બનાવી સ્ટોલમાં વેચાણ કરવામાં આવે છે. તેમજ આ વસ્તુઓનો અગાઉથી ઓર્ડર લઈને બનાવી આપીએ છીએ.”
લીલાબેનએ વધુમાં જણાવ્યું હતું કે “રૂ. ૫૦ હજારની લોન લઈને નાના પાયે ધંધા-વ્યવસાયની શરૂઆત કરી હતી. ત્યારબાદ સરકારની વિવિધ યોજનાઓ લાભ લઈ અને અમારું જયશ્રી કૃષ્ણ સખી મંડળ આર્થિક રીતે પગભર થતું ગયું. આજે હું અને મારા મંડળની બહેનો હેન્ડીક્રાફ્ટની વિવિધ અને આકર્ષક વસ્તુઓ બનાવીએ છીએ.”
જય શ્રી કૃષ્ણ સખી મંડળની બહેનોએ બનાવેલી વસ્તુઓ અમદાવાદ, રાજકોટ, ભુજ, વડોદરા, પાટણ, જામનગર, સુરત, અને મોરબી વગેરે શહેરોમાં ઉપરાંત ગુજરાત બહાર જમ્મુ કાશ્મીર જેવા રાજ્યોના આયોજિત મેળામાં ચીજ વસ્તુઓનું વેચાણ કરીએ છીએ. કાચો માલ ખરીદ કરી જુદી જુદી વસ્તુઓ બનાવીએ છીએ. અને વર્ષે રૂ. ૩લાખ થી પણ વધુ રકમનો નફો થાય છે. મોરબીના ‘સરસ’ મેળામાં રૂ. ૬૦ હજારથી વધુ રકમ વસ્તુઓનું વેચાણ થયેલ છે.
લીલાબેન મકવાણા ગ્રામ સંગઠનમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. નાબાર્ડ બેન્ક દ્વારા યોજાતા મેળામાં ભાગ લઈ સારો એવો નફો કમાઈ રહ્યા છે. હેન્ડીક્રાફ્ટની વિવિધ હાથ બનાવટની વસ્તુઓ અંગે બહેનોને તાલીમ પણ આપી રહ્યા છે, અત્યાર સુધીમાં લીલાબેન દ્વારા ૪૦૦ બહેનોને તાલીમ આપી આર્થિક રીતે પગભર કરવામાં મદદ કરી છે. લીલાબેન અને મંડળના સભ્યો આત્મનિર્ભર બન્યા છે સાથે અન્ય બહેનોને પણ આત્મનિર્ભર બનાવ્યા છે.