મોરબી : જવાહર નવોદય વિદ્યાલયમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ વિશે કોન્ફરન્સ યોજાઈ

જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્ર સરકારની એવી સ્કૂલ છે કે જ્યાં વિદ્યાર્થીઓ ધો. 5 માં પરીક્ષા આપીને ધો. 6 માં પ્રવેશ મેળવે છે. ધોરણ 12 સુધી નિઃશુલ્ક, હોસ્ટેલ સાથે સારું શિક્ષણ મળે તેવા હેતુથી ભારતના દરેક જિલ્લામાં એક સ્કૂલ હોય છે. મોરબી જિલ્લામાં તે જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કોઠારિયા ગામે પ્રકૃતિના ખોળે સુંદર વાતાવરણમાં આવેલ છે. જ્યાં હાલ ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

આ સ્કૂલમાં કૌશલ્ય વર્ધક અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 વિશે કોન્ફરન્સ યોજાઈ.પ્રાચાર્ય આર.કે.બોરોલેએ અને વિદ્યાર્થીઓએ પણ NEP-2020ને લઈને કોન્ફરન્સ કરી હતી. જેમાં આ નીતિમાં શું શું જોગવાઈઓ છે તેની આ રીતે જાણકારી મેળવી હતી.

સહ અભ્યાસિક પ્રવૃતિઓ, માતૃભાષાને પ્રાધાન્ય, વોકેશનલ એજ્યુકેશન,પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સંશોધન, સમિક્ષાત્મક શિક્ષણ,સમસ્યા ઉકેલ કૌશલ્ય અસરકારક પ્રત્યાયન, જીવનલક્ષી શિક્ષણ, કલા અને રમતોની સામેલગીરી,અનેક વિષય પસંદગી અને પરીક્ષામાં લચીલાપણું, વગેરે નવી શિક્ષણનીતિનો ભાગ છે. આ બાબતોને મહતમ રીતે જવાહર નવોદય વિદ્યાલયમાં અમલી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

પ્રાચાર્યએ જણાવેલ છે કે સ્કૂલમાં પૂરતો સ્ટાફ અને સુવિધાઓ ઉપલબ્ધ છે. વાલી મંડળનો પૂરતો સહયોગ આ સ્કૂલને મળ્યો છે. હાલ ધોરણ 6 માં પ્રવેશ હેતું પરિક્ષાના ફોર્મ ભરવાના ચાલું છે. જે આગામી 10 ઓગસ્ટ 2023 સુધી ઓનલાઈન સમીતીની વેબસાઈટ પર ભરાશે.તો મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને પરીક્ષાનું ફોર્મ ભરવા અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ લેવા અનુરોધ કર્યો છે.