કુદરતી સંસાધનમાંથી બનેલા રમકડા થકી સરકાર દ્વારા હસ્તકલાને પ્રોત્સાહન

માટી, લાકડા, કાપડ કે અન્ય કુદરતી સંસાધનમાંથી બનેલા રમકડાને અપનાવીએ: બાળકો અને પ્રકૃતિને સ્વસ્થ રાખીએ

“નેહાબહેન, દોડો, હીનાબહેન, દોડો,
પેલી ડુગડુગિયાવાળી આવી.
મજાની પેલી ડુગડુગિયાવાળી આવી.”

આપણા બાળપણનું આ બાળગીત તો બધાને યાદ જ હશે અને યાદ હશે પેલી ડુગડુગિયાવાળી આવી. હા એજ ‘ડુગડુગિયાવાળી’. લાકડામાંથી કે માટી અથવા કાપડ કે કુદરતી સંસાધનો માંથી બનતા રમકડાનું એક સમયે બાળકોમાં અદભુત આકર્ષણ હતું.

આજે સમય બદલાયો, સાથે સાથે ઓદ્યોગિકરણને પણ પ્રોત્સાહન મળ્યું, બજારમાં અવનવા રમકડા આવ્યા અને આ રમકડામાં પ્લાસ્ટીકના રમકડાઓએ પોતના કલર અને ચળકાટના કારણે બજારમાં પગ મેલી જોત જોતામાં તો તે બજારના રાજા બની ગયા. આખું રમકડાનું બજાર પ્લાસ્ટીકના રમકડાએ પોતાના નેજા હેઠળ લઈ લીધું અને બાળકોના બાળ માનસ ઉપર આગવું પ્રભુત્વ જમાવ્યું.

નાનુ બાળ જન્મે ત્યાં જ તેના હાથમાં પ્લાસ્ટીકનું ડુગડુગિયું કે અન્ય રમકડું ધરી દેવામાં આવે છે. એ જાણતા હોવા છતા કે પ્લાસ્ટીક એ પ્રકૃતિ માટે અને આપણા માટે કેટલું હાનિકારક છે.

આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટીક એકવાર બની ગયા પછી હજારો વર્ષ સુધી તેનો નાશ કરી શકાતો નથી. તેમજ પ્રકૃતિ માટે તો તે એક મીઠા ઝેર સમાન જ છે. સ્વાભાવિક છે કે નાનું છોકરું રમકડાને પોતાના મોઢામાં અવાર-નવાર નાંખતું હોય છે. આ પ્લાસ્ટીકનું રમકડું મોઢામાં જતા તેના સાથે પ્લાસ્ટીકના ખરાબ રસાયણો તેના પેટમાં જવાની શક્યતા વધી જાય છે. જેનાથી બાળકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે.

આજે સરકાર દ્વારા લોકો પ્લાસ્ટીકનો વધુ પડતો ઉપયોગ ટાળે તે માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. પ્લાસ્ટીકના સ્થાને લોકો ફરી કુદરતી સંસાધનમાંથી બનેલ વસ્તુ વાપરે તે માટે સરકાર દ્વારા હસ્ત કલાને બહુ પ્રોત્સાન આપવામાં આવી રહ્યું છે. સરકાર હસ્તકલાના કારીગરોને વિવિધ યોજના થકી સહાય પુરી પાડે છે. તેમજ જુદી જુદી જગ્યાએ દેશના ખુણે ખુણે તેની વસ્તુ વેચાય તે માટે મેળાઓનું પણ આયોજન કરે છે.

 આ હસ્ત કલા થકી અનેક લાભો થઈ રહ્યા છે. એક તો આપણી વિસરાઈ જતી વિરાસતને બચાવી તેની સાર-સંભાળ રાખી શકાય છે અને બીજું કે આ હસ્ત કલા થકી કુદરતી સંસાધનમાંથી બનતા રમકડા. જેમાં ડુગડુગિયા, હાથી, ઘોડા, ચકરી, ભમરડો, ટ્રેન વગેરે જેવા રમકડા બનાવવામાં આવે છે. આ રમકડા માટી, લાકડા, કાપડ કે અન્ય કુદરતી સંસાધનમાંથી બને છે. તો ચાલો બાળકો વધુમાં વધુ આ કુદરતી સંસાધનમાંથી બનેલ રમકડાથી રમે તે માટે પ્રયત્ન કરીએ અને પ્લાસ્ટીકના રમકડાંનો ઉપયોગ ટાળી બાળકોના સ્વાસ્થયની સાથે પ્રકૃતિને પણ સ્વસ્થ અને સ્વચ્છ રાખીએ.