મોરબીના મહેન્દ્રનગરનું જર્જરિત જુનું બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું

મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ૨૪ જ કલાકમાં, વાંકાનેર તાલુકાના લાકડધાર ગામમાં ગ્રામ પંચાયત ક્વાર્ટર અને ગ્રામ પંચાયત હસ્તકના હોલના દબાણ દુર કરાયા

જિલ્લા વિકાસ અધિકારી મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા તા-૩/૮/૨૩ ના જર્જરિત મકાનો દુર કરવાનો પરિપત્ર કર્યા બાદ મોરબી જિલ્લામાં મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું બસ સ્ટેન્ડ અતિ જર્જરિત હાલતમાં છે. આ બાબત મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાના ધ્યાને આવતા તુરંત જ મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને સૂચના આપી તોડી પાડવા જણાવ્યું હતું.

સૂચના મળતા જ મોરબી તાલુકા વિકાસ અધિકારી દ્વારા મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું બસ સ્ટેન્ડ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી અ.મ.ઈ. પાર્થ એસ પટેલ, જિલ્લા પંચાયત મોરબીના લીગલ એડઇઝર સંજયભાઈ નારોલ, વિસ્તરણ અધિકારી બી.જે. બોરાસાણીયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા તેમજ મોરબી બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ.દેકાવાડીયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એ.ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ તથા તાલુકા પંચાયત ના સ્ટાફ ની સંયુક્ત ટીમ દ્વારા જર્જરિત બસ સ્ટેન્ડ તોડીને મોટી જાનમાલની નુકશાની થતા અટકાવવા માટેની કામગીરી કરવામાં આવી છે.

આ અગાઉ તા- ૨/૮/૨૩ના રોજ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલ માં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તલાટી કમ મંત્રી લાકડધારને ટેલીફોનીક સૂચના આપી તાત્કાલિક ૪ કલાક જેટલા ટૂંકા સમયમાં રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલમાં રહેણાંક દબાણ તથા તા-૩/૮/૨૩ ના ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા અનાજ દળવાની ઘંટી બનાવ્યાનું દબાણ પણ દુર કરાવવામાં આવ્યું છે.

આમ, BRC ભવનની બાજુમાં આવેલા તાલુકા પંચાયત મોરબીના જુના જર્જરીત ક્વાર્ટર્સ દુર કરવાની કામગીરી, મહેન્દ્રનગર ગામના પાદરમાં આવેલ જુનું જર્જરીત બસ સ્ટેન્ડ દુર કરવાની કામગીરી તથા લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટર અને ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલના દબાણ દુર કરવાની કામગીરી મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ ધ્યાને આવ્યા બાદ ૨૪ કલાકની અંદર જ દુર કરાવવામાં આવ્યા છે.