વીરોને વંદન કરવાના કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીને સત સત વંદન
‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ હેઠળ વવાણીયા ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીને વંદન કરવાના આશય સાથે સંસ્થાના પ્રતિનિધી મહેન્દ્રભાઈ શાહનું સન્માન કરવમાં આવ્યું હતું. ભારત દેશને આઝાદી અપાવવા માટે અનેક વીરોએ વીરગતિ પ્રાપ્ત કરી હતી તો અનેક વીરોએ દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે અંગ્રેજો સામે લડત ચલાવી હતી. આઝાદીના ઘણા લડવૈયાઓ પાછળ એમના માતા-પિતા ઉપરાંત દેશના અન્ય મહાપુરુષોની પણ પ્રેરણા રહેલી હતી. આવા જ એક પ્રેરણા સ્ત્રોત એટલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજી.
મોરબીના વવાણીયા ખાતે જન્મેલા આધ્યાત્મિક દ્રષ્ટિએ વિશ્વવિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રજી ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજીમાં દયાધર્મ, સત્ય અને અહિંસાના ગુણો સવિશેષ રીતે વિકસ્યા તેની પાછળ તેમના ઉપર પડેલી શ્રીમદ્ રાજચંદ્રજીની ઊંડી અસર પણ કારણભૂત હતી. જે થકી ગાંધીજીએ સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવી આઝાદીની લડત ચલાવી. આજે સમગ્ર ભારત અને વિશ્વ પણ શ્રીમદ્ રાજચંદ્રજીને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુની દ્રષ્ટિએ અને એક આધ્યાત્મિક વિભૂતિની દ્રષ્ટીએ યાદ કરી વંદન કરે છે.
આ બાબતે શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવનના સ્વાધાયકારશ્રી મહેન્દ્રભાઈ શાહ જણાવે છે કે, “શ્રીમદ્ રાજચંદ્રજીના સત્સંગથી ગાંધીજીના જીવન પર જે અસર થઈ એ અસરે ગાંધીજીની સ્વતંત્રતાની ચળવળમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આપણે ૧૫ મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ગાંધીજીની સાથે શ્રીમદ્ રાજચંદ્રજીને પણ દુનિયા યાદ કરે છે. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી સત્ય અહિંસા અને શાશ્વત વસ્તુઓ માટેની તન્મયતા ગ્રહણ કરી જીવનમાં આચરણ કર્યું હતું”.
‘મારી માટી મારો દેશ’ અભિયાન હેઠળ વીરોને વીરાંજલી અર્પણ કરવાના હેતુથી મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અન્વયે તા.૧૦ ઓગસ્ટના રોજ તમામ ગ્રામ્ય કક્ષાએ અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોના ભાગરૂપે શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મભૂમિ વવાણીયા ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમદ્ રાજચંદ્રજીના નામ જડિત શિલાફલકમ્ નું અનાવરણ કરી તેમની સાથે તમામ વીરોને સત સત વંદન કરવામાં આવ્યા હતા.