વતન રાસંગપર ગામે સરકારી શાળાનું નામકરણ ‘બીએસએફ વીર શહીદ શ્રી દામજીભાઈ અમરશીભાઈ બુડાસણા પ્રાથમિક શાળા ‘ કરાયું
વીર શહીદ જવાન દામજીભાઈએ પંજાબના ઉગ્રવાદ તેમજ પાકિસ્તાન સામે કારગીલ યુદ્ધમાં ફરજ બજાવી માં ભારતીની રક્ષા કરેલી, પતિના નામે શાળાનું નામકરણ કરવા બદલ સરકાર નો ખૂબ ખૂબ આભાર; માટીને નમન વીરોને વંદન’ અભિયાન થકી દેશના જવાનોનું મનોબળ મજબૂત થશે: ભાનુમતિબેન બુડાસણા
આઝાદીની લડતમાં તથા આઝાદી બાદ ભારત દેશના ઘણા વીર યોદ્ધાઓએ દેશની સેવા કરવા માટે પોતાનું બલિદાન આપ્યું છે .દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ‘મારી માટી મારો દેશ ‘ ‘માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ થકી સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રાણની આહુતિ આપનારા તેમજ દેશની રક્ષા કરતા કરતા શહીદી વહોરેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
ત્યારે મોરબી જિલ્લાના રાસંગપર ગામના વતની વીર જવાન શહીદશ્રી દામજીભાઈ અમરશીભાઈ બુડાસણાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. દામજીભાઈ બુડાસણાનો જન્મ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલ રાસંગપર ગામે તારીખ ૪ જૂન ૧૯૬૫ ના રોજ થયો હતો. પિતા દામજીભાઈ બુડાસણા અને માતા જબુબેન બુડાસણા. દામજીભાઈ ચાર ભાઈઓમાં સૌથી નાના ભાઈ હતા. દામજીભાઈએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન રાસંગપરમાં જ લીધું હતું.
દામજીભાઈના મોટાભાઈ કેશવજીભાઈ બુડાસણાએ જણાવ્યું હતું કે દામજીભાઈ ભણવામાં નાનપણથી જ ખૂબ હોશિયાર અને તેજસ્વી બાળક હતા સાથે રમત ગમત ક્ષેત્રે ખૂબ જ રસ ધરાવતા હતા દામજીભાઈએ માધ્યમિક શિક્ષણ માળિયાની શ્રી જોશી પ્રાઇવેટ હાઈસ્કૂલમાં અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વાંકાનેરની અમરસિંહ હાઈસ્કૂલમાંથી પ્રાપ્ત કરેલ હતું. નાનપણથી જ ક્રાંતિકારી વિચાર ધરાવતા દામજીભાઈના મનમાં દેશ માટે મરી ફીટવાની ભાવના હતી. ૧૯૮૫માં બી.એસ.એફ. માં જોડાવાની તક મળતા જ તેમણે માતા-પિતાના આશીર્વાદ મેળવી ૨૦ વર્ષની ઉંમરે લશ્કરમાં ભરતી થયા હતા.
ભરતી થયા બાદ સૌપ્રથમ મધ્યપ્રદેશના ટેકનપુરમાં લશ્કરી તાલીમ લીધી હતી અને પહેલું પોસ્ટિંગ કાશ્મીરના બારામુલ્લા ખાતે મળ્યું હતું. બારામુલ્લામાં ત્રણ વર્ષની ફરજ દરમિયાન બરફના પહાડો વચ્ચે ફરજ બજાવી હતી. ત્યાં અવારનવાર આતંકવાદીઓ સાથે ઘર્ષણ થતું હતું. આતંકવાદ સામે લડીને માં ભારતીની રક્ષા કરતા કરતા ત્રણ વર્ષ પૂરા કર્યા. બીજું પોસ્ટિંગ ૧૯૮૮ માં પંજાબમાં ભિખીવિંડમાં થયું. ત્યારે સમગ્ર પંજાબમાં ઉગ્રવાદ ફેલાયેલો હતો. એ સમયે દિવસે પણ બહાર નીકળવું મુશ્કેલ હતું.
૧૫ દિવસમાં ૧ દિવસ પરિવારને મળવા જવા માટે રજા મળતી અને બીજા દિવસે સવારે તો ફરીથી ફરજ બજાવવાની હોય , ત્યારબાદ વાઘાબોર્ડર ખાસ કેમ્પમાં પોસ્ટિંગ થઈ અને ૧૯૯૩ સુધી વાઘા બોર્ડર પર ફરજ બજાવી. પછીથી શ્રીનગરમાં સોપોર, રાજસ્થાનમાં બાડમેર બોર્ડર પર ફરજ બજાવી હતી. ૧૯૯૯ માં પાકિસ્તાન સામે કારગિલ યુદ્ધ દરમિયાન ઉત્સાહભેર દેશની સીમા પર ફરજ બજાવી હિન્દુસ્તાનને વિજય અપાવવામાં સક્રિય ભૂમિકા નિભાવી હતી. ત્યાર બાદ ગ્વાલિયર મધ્ય પ્રદેશ ખાતે ફરજ બજાવી હતી. ત્યાંથી પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ ખાતે વર્ષ ૨૦૦૪માં ૨૭ એપ્રિલે ચાલુ ફરજ દરમિયાન બંગાળની પદ્માનદીમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ભયંકર તોફાન આવ્યું હતું અને નાવ પલટી મારી ગઈ હતી. નાવમાં સવાર દામજીભાઈ સાથે અન્ય ત્રણ જવાન પણ પાણીમાં તણાઈ ગયા હતા. આમ, દેશની સેવા કાજે માં ભારતીની રક્ષા કરતા કરતા વતન માટે શહીદ થયા હતા.
વીરગતિ પામનાર શહીદશ્રી દામજીભાઈના ધર્મપત્નિ ભાનુમતિબેનએ જણાવ્યું હતું કે મારા ત્રણે બાળકો નાના હતા અને અભ્યાસ કરી રહ્યા હતા બાળકો નાના હોવાથી ઘરની તમામ જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી. સરકારશ્રી તરફથી પેન્શન ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર તરફથી પરિવારનું સન્માન કરી રૂ. ૧,૦૦,૦૦૦, આપવામાં આવ્યા હતા. અમારા ગામ રાસંગપરમાં મારા પતિ દામજીભાઈ બુડાસણા એ જે પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તે શાળાનું નામકરણ ‘બીએસએફ વીર શહીદ શ્રી દામજીભાઈ અમરશીભાઈ બુડાસણા પ્રાથમિક શાળા ‘ સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. તે અમારા વતન રાસંગપર તેમજ મોરબી જિલ્લા માટે ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે. તે માટે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ‘મારી માટી મારો દેશ’, ‘માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ અંતર્ગત અમારા પરિવારનું રાસંગપર ગામે સન્માન કરવામાં આવ્યું હતું. શહીદોના પરિવારોનું સન્માન કરવાથી દેશના યુવાનોને પણ સેનામાં જોડાવાની પ્રેરણા મળશે. આવા રાષ્ટ્રીય અભિયાન થકી જવાનોનું મનોબળ પણ મજબૂત થશે.
દામજીભાઈના પરિવારમાં માતા જબુબેન આજે પણ હયાત છે. દામજીભાઈના પત્ની ભાનુમતિબેન અને પુત્ર હર્ષ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને બે પુત્રીઓ કેનેડામાં વસવાટ કરી રહ્યા છે. દામજીભાઈનો પરિવાર દેશ સેવાના કાર્યોમાં હંમેશ પોતાનો ફાળો આપતો રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ પર દામજીભાઈ જેવા અનેક વીરોને ‘મારી માટી મારો દેશ’ મહા અભિયાન થકી શત શત વંદન.