ટંકારા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

આપણે સૌ દેશ ભક્તિના રંગે રંગાઈને દેશ માટે વીરગતિ પામનાર તમામ વીરોને વંદન કરી તેમનું સન્માન કરીએ-કલેક્ટર જી.ટી.પંડ્યા

ટંકારા ખાતે અનેરા ઉત્સાહ સાથે ટંકારામાં દેવ કુંવરબા સંકુલ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યાએ ધ્વજવંદન કરી, તિરંગો લહેરાવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ આપતા કલેક્ટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ સ્વાતંત્ર્ય વીરો અને દેશ માટે હસતા મુખે શહાદત વહોરનાર શહીદોને યાદ કરવાનો અવસર છે. ભારતભરમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કાર્યક્રમમાં સહભાગી બની રહ્યો છે. મોરબી જિલ્લામાં તમામ ૩૭૫ ગામડાઓમાં ગ્રામિણ કક્ષાના કાર્યક્રમની ૧૦ ઓગસ્ટે ઉજવણી કરવામાં આવી છે . આગામી ૧૭ ઓગસ્ટે તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાનાર છે. જ્યાંથી કળશમાં માટી એકત્ર કરી આપણા જિલ્લામાંથી ૫ કળશ દિલ્હી ખાતે લઈ જઈ કર્તવ્ય પથ પર અમૃત વાટિકામાં અર્પણ કરવામાં આવશે.

આ તકે કલેક્ટરએ જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય, આયોજન, શિક્ષણ, પોલીસ, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પીજીવીસીએલ, પુરવઠા સહિતના તમામ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ થયેલા જન કલ્યાણના કામોની પણ છણાવટ કરી હતી.

વધુમાં કલેકટરએ જણાવ્યું હતું કે, આપણે સૌ દેશ ભક્તિના રંગે રંગાઈને દેશ માટે વીરગતિ પામનાર તમામ વીરોને વંદન કરી તેમનું સન્માન કરવા જણાવ્યું હતું. તપોભૂમિ ટંકારા ખાતે તત્વચિંતક અને સ્વાધિનતા મહત્વના પાયોનિયર પૈકીના એક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમને  શત શત વંદન કર્યા હતા. સાથોસાથ ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીને પણ યાદ કર્યા હતા. આ પ્રસંગે તેમણે સરહદ પર તૈનાત જવાનોને પણ યાદ કરી તેમને વંદન કર્યા હતા.

આ ઉજવણીમાં કલેકટરએ મહિલા પોલીસ સહિતના જવાનોનું પરેડ નિરીક્ષણ કર્યું હતું. સ્વતંત્રતા દિવસના પર્વ નિમિતે લોકોને દેશ ભક્તિના રંગે રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વે મહાનુભવોએ વૃક્ષારોપણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં કલેક્ટર જી.ટી. પંડ્યા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી રણછોડભાઈ દલવાડી અને જિલ્લાના પદાધિકારી / અધિકારીઓ, પોલીસના જવાનો, જિલ્લા તેમજ ટંકારાના નાગરિકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

કાર્યક્રમને સફળ બનાવવા ટંકારા મામલતદાર કેતન સખિયા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજા સહિતનાઓએ કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.