વાંકાનેર લોક મેળાના મેદાન સિવાય પાલિકા દ્વારા વેપારીઓને સ્ટોલ ફાળવી લાખોની કમાણી કરશે

(રિપોર્ટર પંડયાજી વાંકાનેર) : વાંકાનેર શહેરમાં સાતમ આઠમનાં તહેવારોમાં જડેશ્વર રોડ પર નાગા બાવાજી મંદિરનાં સાનિધ્યમાં પાલિકા દ્વારા વર્ષોથી લોકમેળા નું આયોજન કરવામાં આવે છે જેના અનુસંધાને આગામી દિવસોમાં યોજાનાર લોકમેળા માટે પાલિકા દ્વારા જાહેર હરરાજી કરવામાં આવી હતી અને નાગા બાવાજી મંદિર સામે તેમજ આસપાસના વિસ્તારના મેદાન ની છેલ્લી બોલી લગાવી ૧૯.૫૦ લાખમાં ગ્રાઉન્ડ મેળા માટે ફિરોજભાઈ દ્વારા રાખવામાં આવ્યું છે. જ્યારે મેળાના મેદાન સિવાય ગર્લ્સ હાઈસ્કૂલ બાપુના સ્ટેચ્યુથી મંદિર સુધી અસંખ્ય નાના મોટા વેપારીઓ સ્ટોલ પર વેપાર કરતા હોય છે જે હરરાજી કરવામાં આવેલ મેદાન મા સમાવેશ નથી થતો તેથી પાલિકા દ્વારા વેપારીઓને સ્ટોલ ઉભા કરવા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે તેમ ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું.

સ્ટેચ્યુ થી મંદિર સુધીમાં વેપારીઓને સ્ટોલ ફાળવી પાલિકા લાખો રૂપિયાની કમાણી કરશે. જે શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે વાપરવામાં આવશે. સ્ટોલની ફાળવણી અંગે ચીફ ઓફિસર સરૈયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ જગ્યા પાલિકાની છે જ્યાં પાલિકા તંત્ર દ્વારા જ સ્ટોલ માટે જગ્યા ફાળવશે જેના માટે ભાડાની રકમ હવે પછી નક્કી કરવામાં આવશે તેમજ વધુમાં જણાવ્યું હતું કે મેળાના મેદાનની હરરાજીમાં આં જગ્યા આવતી ન હોવાથી કોઈ પણ વેપારીઓએ મેળાના આયોજક ને કોઈ પ્રકારની રકમ આપવાની થતી નથી જેની દરેક ઈચ્છિત વેપારીઓએ નોંધ લેવી.
આ જગ્યા પર સ્ટોલ ફાળવવામાં આવશે તે વેપારીઓને પાલિકા તંત્ર તરફથી ભાડાની રકમની પાવતી આપવામાં આવશે જેના માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે તેમજ કોન્ટેક્ટ નંબર જાહેર કરવામાં આવશે.

જ્યારે લોકમેળો લૂંટ મેળો ન બને તે માટે ભાવ બાંધણા બાબતે ચીફ ઓફિસર ગીરીશભાઈએ જણાવ્યું હતું કે દરેક રાઇડ્સનાં ભાવ વધારે માં વધારે રાજકોટના લોકમેળા જેટલા અને પેકિંગ ચીજ વસ્તુઓ પ્રિન્ટ ભાવથી વધુ વસૂલી નહિ શકે તેવા બોર્ડ લગાવવામાં આવશે જેમાં પાલિકા તંત્ર દ્વારા એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે જેમાં અધિકારીનો મોબાઈલ નંબર જાહેર કરવામાં આવશે. મેળામા વેપારીઓ જો નિયમ તોડશે અને પ્રજાજનો પાસેથી વધારે રકમ લેવામાં આવશે તો લોકો અધિકારીનો સંપર્ક કરી શકશે જેમાં અધિકારી ખરાઈ કરી દંડ સહિતની કાર્યવાહી કરશે.