જી.સી.ઈ.આર.ટી. – ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ દ્વારા તા. ૧૧ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન મોરબી જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન નવયુગ વિદ્યાલય – વિરપર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાંથી તાલુકા કક્ષાએ પસંદ થયેલા ૧૯ શિક્ષકોએ પોતાના ઇનોવેશન રજૂ કર્યા હતા.
આ ફેસ્ટિવલમાં નિર્ણાયક ટીમ તથા ૪૦૦ જેટલા મુલાકાતી શિક્ષકોએ કરેલા મૂલ્યાંકનને આધારે પ્રાથમિક વિભાગમાંથી વવાણિયા કન્યા શાળાના આરતીબેન ચોટાઈ – પ્રથમ, રોહિશાળા પ્રાથમિક શાળાના અનિલભાઈ રાઠોડ – દ્વિતીય અને ભુતકોટડા પ્રાથમિક શાળામાંથી ગીતાબેન સાંચલા – તૃતિય સ્થાને તથા માધ્યમિક વિભાગમાંથી સરકારી માધ્યમિક શાળા – ઘનશ્યામપુરના પ્રિયંકાબેન પટેલ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વી.સી. હાઈસ્કૂલના અમિતભાઇ તન્નાના ઇનોવેશન પસંદગી પામ્યા છે. મોરબી જિલ્લાના ગૌરવ સમાન આ પાંચેય શિક્ષકો આગામી સમયમાં યોજાનાર ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પોતાના ઇનોવેશન રજૂ કરી મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે.