જીનીંગ ફેક્ટરી/બીજ પેકીંગ કંપની/ઓઈલ મીલમાં લેવાના પગલાં માટે પણ વિગતવાર સુચનો જારી કરાયા
કપાસમાં ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે વીણી દરમિયાન અને પાક અવસ્થા પુરા થયા બાદ લેવાના પગલાં માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર વીણી બાદ કપાસનો બિનજરૂરી લાંબા સમય સુધી સંગ્રહ ન કરતાં સત્વરે માલ બજારમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવી. કપાસની વીણી હંમેશા સવારે ૧૦ વાગ્યા પછી સંપૂર્ણ ખુલ્લેલાં જીંડવામાંથી કરવી. પ્રથમ વીણી વખતનો કપાસ અલગ રાખવો અને તેનો સંગ્રહ નવી અને ચોખ્ખી કાપડની બેગમાં કરવો અને કપાસની વીણી શક્ય હોય તો ઝડપથી પુરી કરી દેવી.
છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટા-બકરાં ચરાવવાથી ઉપદ્રવિત કળીઓ, ખુલ્યા વગરના જીંડવા તેમજ સંકોચાયેલ ફૂલ નાશ થતા ગુલાબી ઇયળના અવશેષોના નાશ કરી શકાય છે. પાક પુરો થયા બાદ ઝડપથી કરસાંઠીનો નિકાલ કરવાથી બીજી સીઝનમાં ઉપદ્રવ ઘટાડી શકાય છે. છોડના અવશેષો અને કરસાંઠીઓનો બાળીને નાશ કરવાની જગ્યાએ તેનાં નાના ટુકડાઓ યાંત્રિક સાધનો (શ્રેડર) વડે કરી કોહડાવીને સેન્દ્રીય ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. ઉપદ્રવિત ખેતરમાંના કપાસનો ઘર કે ગોડાઉનમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવો નહી. કપાસની કરસાંઠીઓનો રોડની બાજુમાં ઢગલા કરી મુકી રાખવાથી કે વેલાવાળા શાકભાજીમાં વેલા ચઢાવવામાં ઉપયોગ કરવાથી ગુલાબી ઇયળનું અસ્તિત્વ જળવાઇ રહેતુ હોઇ તેમ કરવું ટાળવું.
જીનીંગ ફેક્ટરી/બીજ પેકીંગ કંપની/ઓઈલ મીલમાં લેવાના પગલાંની વાત કરીએ તો, જીનીંગમીલ/માર્કેટયાર્ડમાં આવતા કપાસની ચકાસણી કરી ઓછા વધતાં ઉપદ્રવ મુજબ માલના ખરામાં અલગ ઢગલાંઓ કરવા અને સમયાંતરે પલટાવવા. માલની હેરાફેરી દરમિયાન ઉપદ્રવીત કપાસનો આજુબાજુના વિસ્તારમાં થતો ફેલાવો અટકાવવો. જીનીંગ બાદના બીજમાંથી ખરાબ, અધકચરા બીજનો તેમજ ઉપદ્રવીત બીજ જુદા કરવા. બીજને ઓઇલમીલમાં મોકલતા પહેલા બીજની ચકાસણી કરીને નુકસાન પામેલ બીજને અલગ કરી ૬૦ ડીગ્રી સે. તાપમાને ગરમ પાણીમાં માવજત આપી કપાસિયાનો ખોળ બનાવવા વાપરી શકાય. કપાસનો સંગ્રહ કરવા માટેના ગોડાઉનમાં જંતુનાશકની માવજત આપવી તથા વાપરવામાં આવતા કોથળા/તાડપત્રીમાં પણ જંતુનાશકની માવજત આપવી. જીનીંગ કરેલ રૂનું પ્રેસિંગ કરવાથી તૈયાર થતી ઘાંસડીમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ રહેતો નથી. જીનીંગની કામગીરી પુરી થયા બાદ પડી રહેલ કચરા (જીન ટ્રેસ)ને બાળી નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઈયળો નાશ પામે છે.
જીનીંગ મીલના ખંડ/મશીનની ચકાસણી કરવી તેમજ ચોખ્ખા રાખવા. જીનીંગ મીલના પરિસરમાં ગુલાબી ઈયળની મોજણી કરવી જે માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને વધુ ફુદા પકડાય તો સામુહિક ધોરણે ફુદાઓનો નાશ કરવા વધુ સંખ્યામાં ફેરોમોન ટ્રેપ લગાડવા જેથી બીજી સીઝનમાં ઉપદ્રવ નિયંત્રણ કરી શકાય. જીનીંગ મીલની આસપાસના વિસ્તારમાં પડેલ કપાસના કચરાને ભેગો કરી તેનો નાશ કરવો. શક્ય હોય તો કપાસનું જીનીંગ મે મહિનાના અંત સુધીમાં પુરુ કરવું જોઈએ. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / કે.વી.કે. / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી / નાયબ ખેતી નિયામક / નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.