૨૦૪૭ સુધીમાં સૌના સાથ અને પ્રયાસથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું– જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી
સરકારશ્રીની યોજનાઓનો લાભ અને માહિતી લોકોને મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે – સાંસદ મોહનભાઈ કુંડારિયા
ભારતને વિકસિત બનાવવાની યાત્રામાં સહભાગી બનવાની સપથ લેતા નીચી માંડલના ગ્રામજનો
સમગ્ર ભારતની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઘર ઘર સુધી પહોંચી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓના લાભ અને યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી અને સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાના લાભ અને માહિતી પહોંચાડવાના હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં સૌના સાથ અને પ્રયાસથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવીશું. વધુમાં તેમણે સોઈલ હેલ્થ કાર્ડ વિશે પણ માહિતી આપી તેનું મહત્વ જણાવ્યું હતું.
સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, સરકારશ્રીની યોજનાઓનો લાભ અને યોજનાઓ વિશેની માહિતી લોકોને મળે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ યાત્રા દરમિયાન પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવા પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. વધુમાં તેમણે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના વગેરેના લાભ અને તે યોજનાનો લાભ કેવી રીતે લેવો તે વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ સંદેશ તેમજ વિકસિત ભારતના સંકલ્પને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રદર્શન નિહાળ્યું હતું.
નીચી માંડલ તાલુકા શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ સંવર્ધન અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેની આ યાત્રામાં સહભાગી બનવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ આયુષ્માનકાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગ્રામ પંચાયતને ૧૦૦% નળ જોડાણ માટે પ્રશસ્તિપત્ર પણ એનાયત કરાયું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ઉજ્જ્વલા યોજના, આયુષ્માન કાર્ડ, પોષણ અભિયાન વગેરે યોજનાના લાભાર્થીઓએ આ યોજનાઓ અન્વયે તેમને મળેલા લાભ અંગેના અનુભવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન વગેરે અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, અગ્રણી સર્વ અરવિંદ વાંસદડિયા, જેઠાભાઈ પારઘી, ધનજીભાઈ, નીચી માંડલ તાલુકા શાળાના શિક્ષકઓ અને સ્ટાફ તેમજ નીચી માંડલના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.