બનાસકાંઠાના દાતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતમાં મોરબી જિલ્લાના ઈજાગ્રસ્તોની વ્હારે જિલ્લા વહિવટી તંત્ર

જિલ્લા કલેકટરએ ઈજાગ્રસ્તો સાથે ટેલીફોનિક વાતચીત કરી; રાજકોટથી અડધી રાતે તેમને રિસીવ કરી વહેલી સવારે ઘરે પહોંચાડાયા

ગતરાતે બનાસકાંઠાના દાંતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટના બનતા ત્યાં મોરબી જિલ્લાના સામાન્ય ઈજાગ્રસ્તો લોકોને મોરબી જિલ્લા વહીવટી તંત્રએ રાજકોટથી બસથી રીસિવ કરી તેમની સારસંભાળ રાખી મોરબીમાં તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા.

ગત રાતે બનાસકાંઠાના દાંતા નજીક ત્રિશુલિયા ઘાટ પાસે અકસ્માતની ઘટના બની હતી ત્યારે અકસ્માત ગ્રસ્ત ખાનગી બસમાં સવાર મોરબી શહેર તથા તાલુકાના ઇજાગ્રસ્તો સાથે મોરબી જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડયાએ ટેલીફોનિક વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર તેમની સાથે છે એવી ખાતરી આપી હતી. ટેલીફોનિક વાતચીત દરમિયાન આ ઈજાગ્રસ્તો પૈકી સામાન્ય ઇજાગ્રસ્ત લોકોએ પરત મોરબી આવવાની ઈચ્છા વ્યક્ત કરતા મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રાજકોટથી તેમને તેડવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોડી સાંજે તેઓ ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી દાંતાથી રાજકોટ આવવા માટે રવાના થયા હતા.

કલેકટરશ્રી દ્વારા મોરબી નિવાસી અધિક કલેકટર એન.કે.મુછારને આ ઈજાગ્રસ્તોને રાજકોટ થી મોરબી માટેની વ્યવસ્થા કરવાનું જણાવતા જિલ્લા કલેકટર તથા નિવાસી અધિક કલેકટરના માર્ગદર્શન હેઠળ મોરબી ગ્રામ્ય મામલતદાર નિખીલ મહેતા તથા સ્ટાફના સિનિયર તલાટી જય કિશન લીખીયા મોડી રાતે રાજકોટ જવા રવાના થયા હતા. વહેલી સવારે ત્રણ વાગ્યે આ ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે રિસીવ કર્યા હતા.

ઠંડીનો માહોલ હોવાથી દરેકને ઓઢવા માટે ધાબળા તથા પીવાના પાણી તેમજ પ્રાથમિક સારવારની સુવિધાઓ પૂરી પાડી તેઓને હેમખેમ મોરબી ખાતે લાવી વહેલી સવારે ૬:૦૦ વાગે તેઓના ઘરે પહોંચાડતા તેઓના પરિવારના સભ્યોએ જિલ્લા વહીવટી તંત્રનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વરિષ્ઠ નાગરિકો કે જેઓની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે તેઓ પોતાની રીતે મુસાફરી કરતા હતા. અકસ્માત બાદ વહીવટી તંત્ર દ્વારા તેઓને સામાન ઊંચકવાની પણ તસ્દીર લેવી પડે તેવી વ્યવસ્થા કરી હતી. જેથી આવા જ એક સિનિયર સિટીઝન નાગરિકે ઘરના દીકરા સાચવે એવી જ રીતે વહીવટી તંત્રએ સાચવ્યા હોવાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.